પોલીસની બેવડી નીતિ, શાસક પક્ષના નેતાને માત્ર દંડ, અન્યના વાહન ડીટેઇન

ગુજરાત રાજ્યમાં કદાચ પ્રથમ વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને ગંભીર ગુનાઓ પર લગામ કસવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક અત્યંત કડક અને…

ગુજરાત રાજ્યમાં કદાચ પ્રથમ વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને ગંભીર ગુનાઓ પર લગામ કસવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક અત્યંત કડક અને અનોખું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ શહેરમાં “નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં”નું નવું સૂત્ર અમલી બનાવવામાં આવ્યું છે. આ કડક નિયમ મુજબ નંબર પ્લેટ વિનાના વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં આપવાનો આદેશ જાહેર કરાયો છે, જેની સીધી અસર રોજેરોજ વાહન લઈને નીકળતા હજારો વાહનચાલકો પર પડી રહી છે.

જોકે, આ કડક અમલવારી વચ્ચે સત્તાધારી પક્ષના નેતાઓના જ વગર નંબર પ્લેટના વાહનો રસ્તા પર દોડતા પકડાતાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સામાન્ય નાગરિકો સામે કડક હાથે કામ લેતી પોલીસ શાસક પક્ષ ભાજપના આગેવાનો સામે નમતું જોખી રહી હોવાના આક્ષેપોથી શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.વિડીયો વાયરલ થયા બાદ અંતે પોલીસે ક-મને માત્ર દંડાત્મક કાર્યવાહી કરી હતી.જોકે સમાન્ય નાગરિકોના વાહન ડીટેઈન કરતી પોલીસ નેતા સામે ઢીલી પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં જ ભાજપના મહિલા કોર્પોરેટર સેજલબેન ચૌધરીનું નંબર પ્લેટ વગરનું ટુ-વ્હીલર જેના ઉપર ધારાસભ્ય દર્શિતાબેન બેઠેલા હતા તેમજ રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન નાગદાન ચાવડાની નંબર પ્લેટ વગરની કાર સરેઆમ રોડ પર ફરતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા.

આ કડક ઝુંબેશ વચ્ચે જ શાસક પક્ષના સ્થાનિક નેતાઓ દ્વારા નિયમોના ધજાગરા ઉડાવતા બે વીડિયો સામે આવતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટનાઓ સામે આવ્યા બાદ સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં એવી ચર્ચા જાગી છે કે સામાન્ય નાગરિક જો નંબર પ્લેટ વગર નીકળે તો તેનું વાહન ડીટેઇન કરી કડક કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે સત્તાના જોરે નેતાઓના વાહનો પકડાય ત્યારે માત્ર નાનો-મોટો દંડ વસૂલીને સંતોષ માનવામાં આવે છે. કાયદાની દ્રષ્ટિએ તમામ નાગરિકો સમાન હોવા જોઈએ, પરંતુ રાજકોટમાં જોવા મળતી આ ’બેવડી નીતિ’ને કારણે પોલીસ તંત્રની નિષ્પક્ષતા સામે આંગળી ચિંધાઈ રહી છે.

જાહેરનામાનો હેતુ ભલે ગમે તેટલો સારો હોય, પણ જ્યારે કાયદાના રક્ષકો જ નેતાઓને વિશેષ છૂટછાટ આપતા દેખાય, ત્યારે કાયદા સમાનતાના દાવાઓ સામે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. ભાજપના મહિલા કોર્પોરેટર સેજલબેન ચૌધરી પાસેથી માત્ર રૂૂ.300નો દંડ અને ભાજપના આગેવાન નાગદાન ચાવડાની નંબર પ્લેટ વગરની કાર અને બ્લેલ્ક ફિલ્મ મામલે રૂૂ.500નો દંડ કરવામાં આવ્યો હતો. જો પોલીસ કમિશનરના આદેશ મુજબ નંબર પ્લેટ વિનાના વાહનોમાં પેટ્રોલ પૂરવા પર સખત મનાઈ છે, તો ભાજપના કોર્પોરેટર અને આગેવાનના આ વાહનમાં પેટ્રોલ પંપ પરથી ઇંધણ કઈ રીતે આપવામાં આવ્યું? શું પોલીસનો કાયદો અને જાહેરનામા માત્ર સામાન્ય જનતાને હેરાન કરવા માટે જ બનાવવામાં આવે છે? શાસક પક્ષના નેતાઓ હોવાના નાતે તેમને આવી ગંભીર બેદરકારીમાં છૂટછાટ મળી રહી છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *