ડબલ મર્ડર કેસ: એક આરોપી પાસે ફટકડી દેખાતા તપાસનો ધમધમાટ

રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટી-2 માં મોડી રાતે એક અત્યંત ચોંકાવનારી અને લોહીયાળ ઘટના બની હતી, જેમાં જમીન અને પૈસાના જૂના વિવાદને કારણે…

રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટી-2 માં મોડી રાતે એક અત્યંત ચોંકાવનારી અને લોહીયાળ ઘટના બની હતી, જેમાં જમીન અને પૈસાના જૂના વિવાદને કારણે સર્જાયેલા ખૂની ખેલમાં બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં એક પક્ષના મુખ્ય આરોપી હાર્દિક ધોળકિયા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શરૂૂઆતમાં આ ગુનામાં માત્ર છરી અને લોખંડના પાઈપનો જ ઉપયોગ થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.
ઘટનાની વિસ્તૃત વિગતો અનુસાર, વૈશાલીનગરમાં રહેતો હાર્દિક ધોળકિયા મોડી રાતે ઉશ્કેરાયેલી હાલતમાં સોમનાથ સોસાયટી-2 ખાતે ઘસી ગયો હતો અને અત્યંત ક્રૂરતાપૂર્વક પોતાના નેફામાંથી છરી કાઢીને સામેવાળા પક્ષ પર તૂટી પડ્યો હતો.

આ જીવલેણ હુમલામાં રૈયાધારમાં રહેતા 55 વર્ષીય સુરેશભાઈ ધોળકિયાનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના ભાઈ રાજેશભાઈ ધોળકિયાનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં આ સમગ્ર મામલો ડબલ મર્ડરમાં પરિવર્તિત થઈ ગયો હતો. આટલું જ નહીં, મૃતક સુરેશભાઈના પુત્ર લાખાને પણ આ હુમલામાં ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેને લઈને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ લોહીયાળ અથડામણમાં સામાપક્ષે પણ હુમલો થયો હતો. પૈસા અને જમીનની માથાકૂટને કારણે પ્રૌઢને મોતને ઘાટ ઉતારનાર હાર્દિક ધુળા ધોળકિયા (ઉ.વ.27, રહે. વૈશાલીનગર શેરી નં-04, “માધવવાટીકા” મકાન, આમ્રપાલી ચોકીની સામે) પર પણ સામેવાળા શખ્સોએ છરી અને લોખંડના પાઈપ વડે માથામાં તેમજ શરીરના અન્ય નાજુક ભાગો પર જીવલેણ ઘા ઝીંકી દીધા હતા,જેના કારણે તે પણ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સમગ્ર પ્રકરણ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી હાર્દિક ધોળકિયા સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તે જ પ્રમાણે, સામા પક્ષના મૃતક સુરેશભાઈ ઉર્ફે સુરાભાઈ બાલાભાઈ ધોળકિયા તેમજ લાખા સુરેશભાઈ ધોળકિયા, રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયા અને શિવા નથુભાઈ ડોંડા સામે પણ હત્યાનો પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ આરંભી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ વચ્ચે જૂની જમીનના પૈસા બાબતે અગાઉથી જ અદાવત અને ઝઘડો ચાલતો હતો, જેનો ખાર રાખીને સમાન ઇરાદા સાથે આ ગંભીર ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં કેટલાક શખ્સો પાસે હથિયાર (રિવોલ્વર જેવું સાધન) હોવાનું દેખાઈ આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. આ વાયરલ ફૂટેજના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચિંતન દવેએ જણાવ્યું હતું કે, હથિયાર જેવું દેખાતો વીડિયો સામે આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યાના પ્રયાસના આરોપી લાખા સુરેશભાઈ ધોળકિયાની અટકાયત કરી લીધી છે અને તેની સઘન પૂછપરછ હાથ ધરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂૂ કરી છે.જો તપાસ દરમિયાન આરોપીઓ પાસે રિવોલ્વર કે અન્ય ગેરકાયદેસર શસ્ત્ર હોવાનું સાબિત થશે, તો આ કેસમાં આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવશે અને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત, આ સમગ્ર ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી શિવા નથુભાઈ ડોંડા હાલ ફરાર હોય, તેને ઝડપી પાડવા માટે પણ પોલીસે વિશેષ ટીમો બનાવીને સઘન શોધખોળ અને ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *