રાજકોટની સિવીલ હોસ્પીટલનાં ન્યુરો સર્જન વિભાગમા ફરજ બજાવતા તબીબ પર રવીવારે રાત્રે દર્દીનાં પરીચીત જયદીપ ચાવડા નામનાં શખ્સે રેસીડન્ટ ડોકટર પાર્થ પંડયા પર હુમલો કર્યો હતો આ ઘટના બાદ 48 કલાક સુધી આરોપી નહી પકડાતા કે સીકયોરીટી એજન્સી સામે કોઇ પગલા નહી ભરાતા ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સિવીલ હોસ્પીટલનાં 400 થી વધુ જુનીયર રેસીડન્ટ ડોકટર હડતાલ પર ઉતરી ગયા હતા અને માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી હતી ત્યારે ગઇકાલે રાત્રીનાં સમયે જુનીયર તબીબોની માંગણીઓ સ્વીકારતા અને આરોપીની ગઇકાલે રાત્રે ધરપકડ થતા મામલો થાળે પડી ગયો હતો . આ મામલે આરોપી જયદીપ ચાવડા જે નેપાળી દર્દીને લોહી આપવા આવ્યો હતો તેમનુ ગઇકાલે રાત્રે મૃત્યુ નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
વધુ વિગતો મુજબ રાજકોટ શહેરનાં સદર વિસ્તારમા આવેલી હોટલમા નોકરી કરતા વિનય ગોપાલભાઇ થાપા કે જેઓ ગઇ તા. 25 ડીસેમ્બરનાં રોજ અકસ્માતમા ઘાયલ થયો હતો અને તેમને માથામા ગંભીર ઇજા પહોંચતા સિવીલ હોસ્પીટલની પીએમજેવાય બિલ્ડીંગમા ન્યુરો સર્જરી વિભાગમા સારવાર માટે ખસેડાયો હતો જયા તેઓને બ્લડની જરુરીયાત પડતા તેમને પરીચીત જયદીપ ચાવડા બ્લડ આપવા આવ્યો હતો અને બ્લડની ચીઠી મામલે જયદીપ ચાવડા અને ડો. પાર્થ પંડયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જયદીપે તબીબ પર હુમલો કર્યો હતો અને આ ઘટનાનાં વિડીયો સોશ્યલ મીડીયામા વાઇરલ થતા પ્રનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ઘટના બાદ 48 કલાક વિતી ગયા છતા આરોપી ન પકડાતા 400 થી વધુ તબીબોએ હડતાલ શરુ કરી હતી અને ગઇકાલે રાત્રે આરોપી જયદીપ ચાવડાને પ્રનગર પોલીસે ઝડપી લેતા હડતાલ પર ઉતરેલા 400 થી વધુ જુનીયર તબીબોએ હડતાલ પાછી ખેચી લીધી હતી.
આ ઘટનામા તબીબ વિરુધ્ધ પણ પોલીસ કમિશનરને રજુઆત કરવામા આવી હતી અને સમગ્ર ઘટનાનો સંપુર્ણ વિડીયો જાહેર કરી તબીબ વિરુધ્ધ પણ કડક કાર્યવાહી કરવા આરોપી જયદીપ ચાવડાનાં માતા અને નેપાળી સમાજનાં પ્રમુખે રજુઆતમા જણાવ્યુ હતુ. આ ઘટના બાદ ગઇકાલે રાત્રીનાં સમયે જયદીપ ચાવડા જે દર્દીને બ્લડ આપવા માટે ગયો હતો તે દર્દી વિનય થાપાનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતા નેપાળી પરીવારમા શોક છવાઇ ગયો છે. વિનય થાપા સદર બજારમા આવેલી નોવા હોટલમા કામ કરતો હતો અને ત્યાનો સુપરવાઇઝર હોવાનુ જાણવા મળી રહયુ છે.
