મતભેદ હોય મનભેદ નહીં, સચિવાલયમાં ‘આપ’ના નેતાઓ જીતુ વાઘાણીનું ભરત મિલાપ

ગુજરાતના રાજકારણમાં મંગળવારે એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. ખેડૂતોની વિવિધ 11 માંગણીઓ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને જીતુ…

ગુજરાતના રાજકારણમાં મંગળવારે એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. ખેડૂતોની વિવિધ 11 માંગણીઓ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને જીતુ વાઘાણી વચ્ચે સ્વર્ણિમ સંકુલની બહાર ગળે મળવાના અને આત્મીયતાના દ્રશ્યો સર્જાયા હતા. રાજકીય પ્રતિસ્પર્ધીઓ હોવા છતાં નેતાઓ વચ્ચેનો આ સ્નેહ ચર્ચાનો વિષય બન્યો છે.

ખેડૂતોના પડતર પ્રશ્નો, પાક વીમો અને સિંચાઈ જેવી મહત્વની 11 માંગણીઓને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા હતા. રાજ્યના ખેડૂતોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે ’આપ’ના નેતાઓ સ્વર્ણિમ સંકુલ બહાર પહોંચ્યા, ત્યારે ત્યાં પહેલેથી હાજર ભાજપના નેતા જીતુ વાઘાણી સાથે તેમનો ભેટો થયો હતો. સૌથી પહેલા ઇસુદાન ગઢવી અત્યંત હેતથી જીતુ વાઘાણીને મળ્યા હતા. જોકે, રસપ્રદ વાત એ હતી કે મુલાકાત દરમિયાન જીતુ વાઘાણીની નજરો ગોપાલ ઇટાલિયાને શોધી રહી હતી. જેવો ગોપાલ ઇટાલિયા સાથે ભેટો થયો, જીતુ વાઘાણી તેમને ઉમળકાભેર ભેટી પડ્યા હતા અને તેમના કાનમાં કંઈક ખાનગી સૂચના કે મજાક પણ કરી હતી. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે ગોપાલ ઇટાલિયા અને જીતુ વાઘાણી ભૂતકાળમાં અનેકવાર આમને-સામને આકરા પ્રહારો કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *