જામનગર તાલુકાના જાંબુડા ગામની સીમમાં માનસી હોટલથી અંદર આવેલા શ્રીનાથજી પાર્ક નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાના કૌભાંડનો રાજકોટ રેન્જ ડી.આઈ.જી. કચેરીના સ્ટાફે પર્દાફાશ કર્યો છે. પોલીસની રેઈડ દરમિયાન ટેન્કરમાંથી ડીઝલ કાઢતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ટેન્કરમાંથી ચોરી કરવામાં આવેલા આશરે 460 લિટર ડીઝલ ઉપરાંત ડીઝલ ભરેલું ટેન્કર, બે મોટર સાયકલ, ત્રણ મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાયેલાં સાધનો સહિત કુલ રૂૂ. 41,50,504નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગઇકાલે રાજકોટ રેન્જ ડી.આઈ.જી. કચેરીના પોલીસ કર્મચારીઓ જામનગર જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે જાંબુડા ગામની સીમમાં માનસી હોટલથી અંદર આવેલા શ્રીનાથજી પાર્ક વિસ્તારમાં ભરતભાઈ સરસીયા નામનો શખ્સ ટેન્કર લઈને આવતા ચાલકોને વિશ્વાસમાં લઈ બજારભાવ કરતાં ઓછા ભાવે નાણાં આપીને ટ્રાન્સપોર્ટ પેઢી અને ટેન્કરના માલિકની જાણ બહાર ડીઝલની ચોરી કરાવે છે.
આ બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. કારખાનાની બાજુના કાચા રસ્તા તથા બાવળની કાંટની આડશમાં ઊભેલા ટાટા કંપનીના ટેન્કર નંબર જીજે-18-બીવી-2287માંથી એક શખ્સ નળી મારફતે ડીઝલ કાઢતો હતો, જ્યારે નીચે ઊભેલા અન્ય બે શખ્સો બેરલ અને કેરબા સાથે પાઈપ મારફતે ડીઝલ ઉતારતા હતા. આ દરમિયાન પોલીસે ત્રણેયને કોર્ડન કરી ઝડપી લીધા હતા.
પોલીસે પકડેલા આરોપીઓમાં નવા મોખાણા ગામના ગોપાલ ભુરાભાઈ કરમશીભાઈ સરસીયા (ઉ.વ. 25), ભરત ભુરાભાઈ કરમશીભાઈ સરસીયા (ઉ.વ. 31) અને જાંબુડા ગામે રવીભાઈના કારખાનામાં રહેતા અરુણભાઈ લાલમણી યાદવ (ઉ.વ. 23)નો સમાવેશ થાય છે. જેમાં ગોપાલ સરસીયા ટેન્કરનો ચાલક હોવાનું અને અન્ય બે શખ્સો ડીઝલ કાઢવાની કામગીરીમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આરોપીઓ દ્વારા ડ્રાઈવરને 20 લિટર ડીઝલના રૂૂ. 1,000 લેખે નાણાં ચૂકવવામાં આવતા હોવાનું તથા અરુણ યાદવ ચોરી કરાયેલા ડીઝલને સગેવગે કરવામાં મદદ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી ટેન્કરમાં રહેલું પેટ્રોલ 15,000 લિટર, ચોરી બાદ બાકી રહેલું ડીઝલ 4,540 લિટર, ટાટા કંપનીનું ટેન્કર, હોન્ડા સાઈન અને બજાજ ડિસ્કવર મોટરસાયકલ, બે બેરલમાં આશરે 400 લિટર તથા ત્રણ કેરબામાં આશરે 60 લિટર ડીઝલ, ઓપો અને વિવો કંપનીના ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલનાં બે ઇન્વોઇસ બિલ, નયારા એનર્જીનું તૂટેલું સીલ અને રબ્બરની નળી પણ કબજે કરવામાં આવી છે. કબજે કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂૂ. 41,50,504 આંકવામાં આવી છે.
ખંભાળિયાના ન્યારા એનર્જી લિમીટેડમાંથી ડિઝલ ભરી અમદાવાદ પહોંચાડવાનું હતું
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સ્થિત નયારા એનર્જી લિમિટેડ ખાતેથી યશ રોડલાઈન ટ્રાન્સપોર્ટ મારફતે અમદાવાદના સરદારનગર સ્થિત જય હરિ પેટ્રોલિયમ ખાતે પેટ્રોલ-ડીઝલનો જથ્થો પહોંચાડવાનો હતો. જોકે, ટેન્કર ચાલક ગોપાલ સરસીયાએ અંગત આર્થિક લાભ મેળવવા માટે ભરત સરસીયા અને અરુણ યાદવનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ટેન્કરનું સીલ તોડી તેમાંથી આશરે 460 લિટર ડીઝલ કાઢી લેવામાં આવતું હતું અને ફરીથી ટેન્કરનું સીલ લગાવી દેવાની તરકીબ અપનાવવામાં આવતી હતી.
