જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ની પોલીસ ટિમને મળેલી બાતમીના આધારે ગોકુલપર ગામના મંદિરવાળી શેરી નજીક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને ડીઝલ કાઢી વેચાણ માટે કેરબામાં ભરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂૂ. 32,49,499નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 287 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કાથળભાઈ મકવાણાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ લતીપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમીના આધારે ગોકુલપર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ટેન્કરનું સીલ તોડી પ્લાસ્ટિકની પાઇપ મારફતે બ્રેજા કારમાં રાખેલા પ્લાસ્ટિકના કેરબામાં પેટ્રોલ અને ડીઝલ ભરાતું જોવા મળ્યું હતું.
પોલીસે સ્થળ પરથી મથુરભાઈ રામભાઈ બાલસરા (ઉ.વ. 28, રહે. વિદ્યુતનગર, મોરબી) અને સોમાભાઈ વકુભાઈ નાગેશ (ઉ.વ. 40, હાલ રહે. પડાણા, તા. લાલપુર, મૂળ રહે. દાત્રાણા, દેવભૂમિ દ્વારકા)ની અટકાયત કરી હતી.
દરોડા દરમિયાન જી.જે. -7- વાય.ઝેડ 4004 નંબરનું ટેન્કર, જી.જે. -36 આર. – 6419 નંબરની બ્રેજા કાર, આશરે 80 લિટર ડીઝલ, 40 લિટર પેટ્રોલ, પ્લાસ્ટિકની પાઇપ, સીલ તોડવાનું કટીંગ પકડ, બે મોબાઇલ ફોન તેમજ ટેન્કરમાં રહેલું ઇંધણ સહિત કુલ રૂૂ. 32,49,499નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટેન્કરમાં આશરે 9,960 લિટર પેટ્રોલ અને 9,920 લિટર ડીઝલ હોવાનું તેમજ તેનું બિલ મુજબનું મૂલ્ય લાખોમાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂૂ કરી છે.
