ઇટાલીના જાણીતા અખબાર કોરીયર ડેલા સેરાનો ચોંકાવનારો દાવો ; વિમાનમાં કોઇ ટેક્નિકલ ખામી ન હતી, વોઇસ રેકોર્ડિંગના આધારે ખુલાસો કરાયાનો ઘટસ્ફોટ
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના મામલે ઇટાલીના એક અખબારે ચોંકાવનારો દાવો કર્યો છે. ઇટાલિયન મીડિયા રિપોર્ટ અનુસાર, વિમાનના પાયલટે ઉડાન ભર્યા બાદ જાણીજોઈને ફ્યુઅલ સ્વીચ બંધ કરી દીધી હતી, જેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, ભારતીય તપાસ એજન્સીઓ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અહેવાલો પર હજુ સુધી કોઈ સત્તાવાર મહોર મારી નથી.
ઇટાલીના જાણીતા અખબાર ’કોરિયર ડેલા સેરા’ (Corriere della Sera) એ પશ્ચિમી એવિએશન એજન્સીઓના સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે ભારતીય તપાસકર્તાઓ જે અંતિમ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે, તેમાં પાયલટની ભૂમિકા શંકાના દાયરામાં છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોકપિટ વોઈસ રેકોર્ડિંગના આધારે એવું માનવામાં આવે છે કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી, પરંતુ પાયલટે પોતે જ ઇંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો. રિપોર્ટમાં મુખ્ય શંકાસ્પદ તરીકે વિમાનના કમાન્ડર સુમિત સભરવાલનું નામ લેવામાં આવ્યું છે, જેમનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
નોંધનીય છે કે એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના માત્ર 32 સેક્ધડ બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.આ વિમાન સીધું એક મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ પર ખાબક્યું હતું. આ કરુણ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ તેમજ હોસ્ટેલમાં રહેતા 19 લોકો સહિત કુલ 260 લોકોના કરુણ મોત નિપજ્યા હતા.
બીજી તરફ, પાયલટ સુમિત સભરવાલનો પરિવાર અને ભારતીય પાયલટ એસોસિએશન આ દાવાને સખત રીતે નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પાયલટને બદનામ કરવાનું અને જવાબદારી તેમના પર ઢોળવાનું એક સુનિયોજિત કાવતરું છે. તેમણે માંગ કરી છે કે વિમાન નિર્માતા કંપની અને એરલાઇનના સુરક્ષા પ્રોટોકોલની પણ ઝીણવટભરી તપાસ થવી જોઈએ.
આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ને ત્રણ અઠવાડિયામાં વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. હાલમાં સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને ઇટાલિયન મીડિયાના આ દાવાએ એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે.
