ગોંડલ નજીક શ્રધ્ધાળુઓની બસ પલટી, સાસુ-વહુના મોત

પુરુષોત્તમ માસમાં વોરા કોટડાના પરિવારો બગદાણા સહિતના ધાર્મિક સ્થળોના પ્રવાસે ગયા હતા: 25 ઘાયલ, 5 ગંભીર ગોંડલનાં બાંદરા અને વોરાકોટડા રોડ ઉપર વહેલી સવારે પાંચ…

પુરુષોત્તમ માસમાં વોરા કોટડાના પરિવારો બગદાણા સહિતના ધાર્મિક સ્થળોના પ્રવાસે ગયા હતા: 25 ઘાયલ, 5 ગંભીર

ગોંડલનાં બાંદરા અને વોરાકોટડા રોડ ઉપર વહેલી સવારે પાંચ કલાકે બગદાણાથી ગોંડલ આવી રહેલી જીજે 18 યુ 9985 નંબરની લકઝરી બસ રોડ પરથી પલટી ખાઇ જતા સર્જાયેલ અકસ્માતમાં વોરાકોટડા રોડ પર રહેતા સાસુ વહુ નું ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.જ્યારે પચ્ચીસ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

બનાવનાં પગલે દોડી આવેલી તાલુકા પોલીસે બસનાં ડ્રાઇવરની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક તથા ઇજાગ્રસ્તોને ઇમર્જન્સી 108 મારફત તુરંત ગોંડલ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ પવિત્ર અધીક માસ ચાલતો હોય ગોંડલનાં વોરાકોટડા રોડ પરનાં રહેણાંક વિસ્તારની મહીલાઓ બગદાણા સહિત ધાર્મિક સ્થળોનાં પ્રવાસે લકઝરી બસ બાંધી ગઈ હતી.

પરત ફરતી વેળા વહેલી સવારનાં પાંચનાં સુમારે બાંદરા વોરાકોટડા સિંગલપટ્ટી રોડ ઉપર સામેથી ટ્રક આવતો હોય તેને સાઇડ આપવા બસ ડ્રાઇવરે બસને રિવર્સમાં લેતા બસ રોડ પરથી નીચે ઉતરી જઇ ધડાકાભેર પલટી મારી જતા મીંઠી નિન્દ્રા માણી રહેલી પ્રવાસી મહીલાઓ હેબતાઈ ગઈ હતી.અને મરણ ચીસોથી વિસ્તાર ગાજી ઉઠ્યો હતો.

અકસ્માતમાં વોરાકોટડા રોડ રામજી મંદિર પાસે રહેતા શાંતાબેન પુનાભાઇ મકવાણા ઉ.72 તથા સવિતાબેન રસિકભાઈ મકવાણા ઉ.50નું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.જ્યારે પચ્ચીસ જેટલા પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થતા તમામને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા શાંતાબેન તથા સવિતાબેન સાસુ વહુ થાય છે.સવિતાબેન નાં પતિ રસિકભાઈ મમરાનાં કારખાનામાં કામ કરેછે.સંતાનમાં ત્રણ દિકરા તથા એક દિકરી હોવાનું જાણવા મળેલ હતું.

બસ અકસ્માત માં ઇજાગ્રસ્તો મા રેખાબેન સંજયભાઈ સાવલીયા ઉ.41,કાજલબેન જેનીશભાઇ-24,મનીષભાઈ મારડીયા-52,નિમબેન મનિષભાઈ-50,કંચનબેન જેરામભાઇ સખીયા-60,માનશીબેન જયદીપભાઈ-26,મનિષાબેન સિંઘવ-44,શામજીભાઈ સાવલીયા-75,ગૌરીબેન ગોરધનભાઈ-60,નરોતમભાઇ હરીયાણી-70,જયાબેન કાંતિભાઈ ઠુંમર-62,કવિતાબેન કિશોરભાઈ-60,હરસિધ્ધાબેન-35,કમળાબેન કાપડીયા-65,મંજુલાબેન ઝાલા-60,ભાવનાબેન પોકર-55,નિર્મળાબેન મારડીયા-60,હરસુખભાઇ મારડીયા-67,લધુભાઇ બતાળા-55,લક્ષ્મીબેન લધુભાઇ-48,હાર્વી દિનેશભાઈ ગોંડલીયા-19,ભરતભાઈ ઝાલા-70,સોનલબેન દિલીપભાઈ-28,જોશનાબેન કોશીયા-60 તથા જેરામભાઇ ગોવિંદભાઈ સખીયા-60 નો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તો પૈકી કેટલાક ડો.વાડોદરીયા તથા કૃષ્ના હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *