ગુજરાતના કલા જગતના બે દિગ્ગજ નામો દેવાયત ખવડ અને જીગ્નેશ કવિરાજ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન દેવાયત ખવડ દ્વારા જીગ્નેશ કવિરાજને ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે ખુલ્લું સમર્થન અને અપીલ કરવામાં આવી છે.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત મેદની વચ્ચે દેવાયત ખવડએ જીગ્નેશ કવિરાજને સંબોધતા જણાવ્યું હતું કે તેઓએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ. એટલું જ નહીં, દેવાયત ખવડએ એવી પણ જાહેરાત કરી હતી કે જો જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડશે, તો તેઓ પોતે તેમના પ્રચાર માટે મેદાનમાં ઉતરશે અને તમામ પ્રકારે સહકાર આપશે. કલાકારોનો આવો પરસ્પર સહયોગ હવે રાજકીય વળાંક લે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ કવિરાજ માટે રાજકારણ નવું નથી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા.તેમણે 2022માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.જોકે, અંતિમ સમયે કોઈ કારણોસર તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું અને ચૂંટણી લડ્યા નહોતા.
ગુજરાતના કલાકારો અગાઉ પણ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે, ત્યારે જીગ્નેશ કવિરાજ આ અપીલને ગંભીરતાથી લઈને આવનારી ચૂંટણીઓમાં કોઈ પક્ષ કે અપક્ષ તરીકે ઝંપલાવશે કે કેમ તે જોવું રહ્યું.
