ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના એક મહિલા તથા તેમના દેરાણી, પુત્ર વિગેરે થોડા દિવસો પૂર્વે એક ઈક્કો મોટરકારમાં જઈ રહ્યા હતા. ત્યારે કારના ચાલકે કાબુ ગુમાવી દેતા મોટરકાર પાણીની ખાડીમાં ખાબકી હતી. જેના કારણે દેરાણી-જેઠાણીના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે બાળકને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી.
આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા અશોકસિંહ ભાયાજી જાડેજા નામના 45 વર્ષના ગરાસિયા યુવાનના પત્ની જયાબા તેમજ તેમનો પુત્ર હરપાલસિંહ ઉપરાંત તેમના ભાઈ સુખદેવસિંહના ધર્મપત્ની રેખાબા તેમજ ભત્રીજો હરેન્દ્રસિંહ નામના ચાર પરિવારજનો ગત તારીખ 24 ઓગસ્ટના રોજ ખંભાળિયાથી ચુડેશ્વર ખાતે રહેતા તેમના સંબંધી મહેન્દ્રસિંહ જેમલજી જાડેજાની ઈક્કો કાર નંબર જી.જે. 37 એમ 2686 માં જઈ રહ્યા હતા. ત્યારે આ મોટરકારના ચાલક મોહસીન નાગાણી (રહે. ઢીંચડા, તા. જામનગર) એ તેમની મોટરકાર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક ચલાવતા ચુડેશ્વર ગામ તરફ જતા સલાયા- ગોઇંજ રોડ પર આ મોટરકાર દરિયાની ખાડીમાં પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા જયાબા અશોકસિંહ જાડેજાનું તા. 27 ના રોજ તેમજ તેમના દેરાણી રેખાબા સુખદેવસિંહ જાડેજા દરિયાનું પાણી વધારે પ્રમાણમાં પી જતાં તા. 24 ના રોજ મળી, આ બન્ને દેરાણી-જેઠાણીના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે હરેન્દ્રસિંહ સુખદેવસિંહ જાડેજાને ઇજાઓ થવા ઉપરાંત દરિયાનું પાણી પી જતા તેમને દસ દિવસ સુધી વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે સોનારડી ગામના અશોકસિંહ ભાયાજી જાડેજાની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે ઈક્કો કારના ચાલક મોહસીન નાગાણી સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. વી.એ.રાણાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. બોઘાભાઈ કેસરિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
