ભાવનગરમા શાળામાં ફાયર સેફટીનાં બિલ મંજૂર કરવા લાંચ માંગનાર ડે.ફાયર ઓફિસર પકડાયા

ભાવનગર શહેરમાં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના એક અધિકારી દ્વારા લાંચ લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના…

ભાવનગર શહેરમાં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના એક અધિકારી દ્વારા લાંચ લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાના કામના બદલામાં લાંચ માંગનાર ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશકુમાર અમૃતભાઇ પટેલ અને તેમના સાગરિત પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણને એ.સી.બી.ની ટીમે રંગે હાથ ઝડપી લીધા છે.

મળતી માહિતી મુજબ ફરિયાદીએ ભાવનગર જિલ્લાની 79 જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાનો પેટા કોન્ટ્રાક્ટ લીધો હતો. આ કામ પૂર્ણ કર્યા બાદ ફાયર સેફટી પ્લાન એપ્રુવલ અને ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટે તેમણે ઓનલાઇન અરજીઓ કરી હતી. આ કામના મંજૂરીના બદલામાં ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશકુમાર પટેલે કુલ રૂૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી.

જેમાં અગાઉ રૂા.50,000 આરોપી પ્રકાશ ચૌહાણ મારફતે ચૂકવી દેવાયા હતા. બાકીના રૂા. 4.50 લાખની માંગણી ચાલુ રહેતા, ફરિયાદીએ બાકી રકમ પેટે રૂા.2 લાખ ચૂકવવાનો વાયદો કર્યો હતો, પરંતુ તેઓ લાંચ આપવા માંગતા ન હોવાથી આ અંગે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે આણંદ એ.સી.બી.ના પી.આઈ. આર.એન. વિરાણી અને તેમની ટીમે આજે ભાવનગરના સર ટી. હોસ્પિટલના ગેટ નંબર-2 પાસે છટકું ગોઠવ્યું હતું. જ્યાં ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂૂ. 2 લાખ સ્વીકારતા પ્રકાશ ચૌહાણને એ.સી.બી.ની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશકુમાર પટેલ પણ પોતાની કચેરીએ હાજર મળી આવ્યા હતા.એ.સી.બી. દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં મદદનીશ નિયામક એમ.એચ. પુવારના માર્ગદર્શન હેઠળ એ.સી.બી.ની ટીમે મહત્વની કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *