રાજકોટમાં આવતીકાલ તા.13ના રોજ મહાનગરપાલિકા દ્વારા તિરંગાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે અને રેસકોર્ષ રિંગરોડ ઉપર તિરંગા શણગાર સાથે મોટા હોર્ડિંગ્સ અને બેનર પણ મારવામાં આવ્યા છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા તમામ હોર્ડિંગમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ફોટાની બાદબાકી કરી નાખવામાં આવતા નવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ છે.
સામાન્ય રીતે કોર્પોરેશનના કાર્યક્રમોના દરેક બેનર-હોર્ડિંગમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ફોટા હોય છે. વિજયભાઇ રૂપાણીની સરકારમાં પણ આજ પરંપરા રહી હતી અને ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારમાં પણ આજ પરંપરા યથાવત રહી છે. પરંતુ આવતીકાલના કોર્પોરેશનના કાર્યક્રમના હોર્ડિંગમાંથી પ્રથમ વખત નાયબ મુખ્યમંત્રીનો ફોટો ગાયબ થઇ ગયો છે.
ભાજપમાં દરેક કાર્યક્રમ સ્લોગન, સુત્રો, સાહિત્ય, ફોટોગ્રાફ ડિઝાઇન સહિતની બાબતો ઉપરથી જ ફિકસ થઇને આવતી હોય છે.ત્યારે રાજકોટમાં આવતી કાલના કાર્યક્રમના હોર્ડિંગ-બેનર્સમાંથી ‘ડિઝાઇન’ કોણે બદલાવી તે અંગે પણ ચર્ચા જાગી છે. આ નવી ‘ડિઝાઇન’ ઉપરથી જ આવી છે કે, સ્થાનિક કક્ષાએ કોઇ નેતાએ ‘અખતરો’ કર્યો છે તે અંગે અલગ અલગ મંતવ્યો પ્રવર્તે છે.
