દિવાળીના તહેવારોમાં ખાનગી બસ ઓપરેટરો દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ ઉપર લગામ નાખવા ડાયમંડ વર્કર્સની રજુઆત
આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને સુરત શહેરમાંથી મોટી સંખ્યામાં રત્નકલાકાર પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા માદરે વતન જતા હોય છે. એવામાં દિવાળી વેકેશન નિમિતે ખાનગી બસોના ભાડા નિર્ધારિત કરવા બાબતે સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે.જેના કારણે રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે, ત્યારે દિવાળી વેકેશન નિમિતે પોતાને માદરે વતન જવા માટે ખાનગી બસોનો ઉપયોગ કરતા હોય છે. દિવાળી વેકેશનમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા ભાડા ઘણા વધારી દેવામાં આવે છે અને એક પ્રકારની ભાડાની ઊઘાડી લૂંટ ચલાવવામાં આવે છે.
ઘણી બસોમાં મુસાફરોને ઘેટા બકરાની માફક ભરવામાં આવે છે અને ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. આ દરમિયાન ઘણાં અકસ્માત પણ થાય છે અને લોકો જીવ પણ ગુમાવે છે, ત્યારે આ દિવાળી વેકેશન નિમિતે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો સાથે ભાડા નિર્ધારિત થાય તે બાબતે હસ્તક્ષેપ કરવા અને આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે.
વધુમાં આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોના વિરોધી નથી, પરંતુ દિવાળી વેકેશન નિમિતે મધ્યમ વર્ગને પરવડે તેવા ભાડા નિર્ધારિત કરવા ખૂબ જરૂૂરી છે. આ સાથે ટ્રાફિક અને આર.ટી.ઓ ના નિયમોનું પાલન કરવામા આવે તે ખૂબ જરૂૂરી છે, કેમ કે હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદી છે અને ટ્રમ્પે લગાવેલા ટેરિફની ગંભીર અસર હીરા ઉદ્યોગના રત્નકલાકારો ઉપર પડી રહી છે.
ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, દિવાળી વેકેશન દરમ્યાન લાખો રત્નકલાકારો વેકેશન માણવા પોતાના પરિવાર સાથે માદરે વતન જતા હોય છે, ત્યારે પ્રાઈવેટ બસ સંચાલક દ્વારા બમણું ભાડું લઈને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે અને ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંધન કરવામાં આવે છે.એક સોફાની અંદર બે લોકોની કેપેસિટી હોય તો 4 થી 5 લોકોને બેસાડીને મુસાફરી કરવામાં આવે છે જેમાં જીવનું જોખમ પણ છે. આ બાબતે અમે ભાડા નિર્ધારિત કરવા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ કમિશ્નર અને સુરત કલેકટરને આવેદન પત્ર આપ્યું છે.
અમે રજૂઆત કરી છે કે, આ બાબતે એક જાહેરનામું બહાર પાડવામાં આવે કે, આનાથી વધારે કોઈ ભાડું લઇ ન શકે. બંને પક્ષને પોસાય એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે. જેથી કરીને બે વર્ષથી મંદીનો માહોલ છે અને મંદીના માહોલથી રત્ન કલાકારો પીસાઈ રહ્યા છે ઉપરથી ટેરીફના કારણે ઇન્ડસ્ટ્રીઝમાં અસર છે તો જે રત્ન કલાકારોને માદરે વતન જવું છે તેને બમણું ભાડું ચુકવવું ન પડે એ બાબતે તંત્રએ ધ્યાન રાખવું જોઈએ અને સલામતી પૂર્વક પોતાના માદરે વતન જઈ શકે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ.
