આરોપીના સગાભાઈએ જ અરજી કરી ત્રાહિત વ્યક્તિઓની પણ સંડોવણી હાવાની શંકા વ્યકત કરી
શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ વૃધ્ધને ભોળવી અગિયાર ચેકમાં નકલી સહી કરી નાણાં ઉપાડી લીધાના કેસમાં આરોપીના સગાભાઈએ જ ફરિયાદીની તરફેણમાં ડી.સી.પી.ને લેખિત રજૂઆત કરી આરોપી ઉપરાંત અન્ય ત્રાહીત વ્યક્તિઓની પણ સહીઓ કરવામાં સંડોવણી હોવાની શંકાએ આ કેસની ફેર તપાસ કરવા માંગણી કરી છે.
સહકાર સોસાયટી મેઈનરોડ પર દામજી મેપા પ્લોટ શે.3માં રહેતા દિવ્યાંગ વૃધ્ધ દિલીપભાઈ બાબુભાઈ ચાવડાને તેમના જ પરિચિત વિમલ ઉર્ફે વિમલેશ ઈંદુભાઈ મહેતા (રહે. શ્રમજીવી સોસાયટી પરિશ્રમ ઢેબરરોડ સાઉથ)એ વિશ્વાસમાં લઈ ચેક બુકો લઈ નકલી સહીઓ કરીને 8.70 લાખ રૂૂપીયા બારોબાર ઉપાડીને વિશ્વાસધાત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવમાં આરોપી વિમલેશના કારનામાનો ખુદ તેના ભાઈ જીજ્ઞેશભાઈએ જ પર્દાફાશ કરી ડી.સી.પી.ને લેખિત રજૂઆત કરી આ કેસની ફેર તપાસ કરવા માંગ કરી છે જે રજૂઆતમાં જણાવ્યા મુજબ અમારા તથા દિલીપભાઈના પરિવાર વચ્ચે વર્ષો જુના સંબધો છે.
માતાનું નાનપણમાં અવસાન થયું હતું જેથી અમને બધાને દિલીપભાઈના માતાએ જ ઉછેરીને મોટા કર્યા હતા. ભાઈ વિમલેશે બે ચેકમાં સહી કરાવી અને અન્ય 11 કોરા ચેક કાઢી લીધા હતા. ચેકબુકમાં રહેલી સહિઓના આધારે અન્ય કોરા ચેકમાં નકલી સહીઓ કરી લીધી હતી અને તે આધારે દિલીપભાઈના મરણમુડી સમાન 8.70 લાખ રૂૂપીયા બેંકમાંથી લઈ લીધા હતા. દિલીપભાઈને ખ્યાલ આવતા પરિવાર સમક્ષ વાત મુકાઈ હતી અને દંપતીએ ખોટુ કર્યાનો એકરાર કર્યો હતો. જે અંગેની ઓડિયો ક્લીપ પણ મોજુદ છે અને પોલીસને અપાઈ છે. ચેકોમાં થયેલી નકલી સહીઓ બાબતે પણ ફોરેન્સિક એક્ષપર્ટનો રિપોર્ટ પણ આવ્યો હતો.
ફોરેન્સીક રિપોર્ટમાં 11 ચેકની આગળ પાછળની ફરિયાદીની 22 સહીઓ ફરિયાદીએ નહીં પરંતુ આરોપીએ પણ નથી કરી તેવું જણાવાયું હતું. પરંતુ અરજદાર દ્વારા પ્રાઈવેટ હેન્ડરાઈટીંગ એકસપર્ટ પાસે રિપોર્ટ કરાવાતાં આરોપી શાતીર મગજનો હોય તેણે અન્ય ત્રાહીત વ્યક્તિઓ પાસે સહીઓ કરાવેલી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત પોલીસે આરોપીની એ સહી એફએસએલમાં કયાંય મોકલેલ હોવાનું નથી પરંતુ અરજદાર પાસે હેન્ડરાયટીંગ એકસપર્ટનો રિપોર્ટ છે જેમાં તેણે બેંકમાંથી નાણા ઉપાડનાર તરીકે સહી પોતે કરી હોવાનું જણાવેલ છે એટલે આરોપીની આ ગુનામાં સીધી સંડોવણી છે પરંતુ એફએસએલના રિપોર્ટમાં પોલીસ દ્વારા શરત ચુકથી અપુરતો ડેટા મોકલવામાં આવ્યો હોવાનું ઉજાગર થાય છે. જેથી આરોપી કોર્ટમાંથી શંકાનો લાભ મેળવી છુટી ન જાય તે માટે તાત્કાલીક ધોરણે ફેર તપાસ કરી યોગ્ય તપાસ રિપોર્ટ રજુ કરવા અને કોર્ટ કાર્યવાહીને સ્થગિત કરાવવા ડીસીપીને રજૂઆત કરી હતી.
