દુષ્કાળ અને વૈશ્વિક મંદી વચ્ચે આગોતરુ આયોજન : રસ્તા, ભૂગર્ભ ગટર, બ્રિજ, લાયન સફારી પાર્ક જેવા મેગા પ્રોજેક્ટમાં ખુટતા પૈસા, મનપામાં ભળેલા નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા સહિતના 272 કામો માટે સહાય માગવા સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત મંજૂર
ખાડી યુધ્ધના કારણે વૈશ્વિક મંદીની મારામારીની અસર અને અધુરામાં પુરુ આ વખતે દુષ્કાળ જેવી હાલતની અસર રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીને પણ થઇ છે. શહેરના વિકાસ કામ અટકી ન પડે એ માટે આગોતરી વ્યવસ્થાના ભાગરૂૂપે સરકાર પાસે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ રૂૂ.900 કરોડની ગ્રાન્ટ ફાળવવાની માગણી કરવામા આવી છે. આજે સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ બોલાવવામા આવી હતી. એજન્ડામાં માત્ર બે જ દરખાસ્ત હતી.
એ પૈકી સ્વર્ણિમ યોજના હેઠળ ગ્રાન્ટની આ રકમ માટે સરકારના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ સમક્ષ દરખાસ્ત રજુ કરવા માટેની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામા આવી હતી. વિવિધ 6 વિભાગો હેઠળ કુલ 272 કામની યાદી બનાવવામા આવી છે. જેમા રસ્તા, ભુર્ગભ ગટર, ટીપીના રોડ ડેવલપ કરવા, ફૂટપાથ, બ્રિજ અને લાયન સફારી જેવા ચાલુ મેગા પ્રોજેક્ટમાં ખુટતા પૈસા તેમજ મનપામાં ભળેલા નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા સહિતના આ 272 કામની યાદી મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ સમક્ષ મોકલીને ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરવામા આવી છે.
મુખ્ય આ 6 વિભાગોના 272 કામ માટે દરખાસ્ત
ભૌતિક માળખાકીય સુવિધા : રસ્તા, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટલાઇટ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, વિવિધ મશીનરી ખરીદી સહિત 138 કામ માટે રૂૂ.42834 લાખની માગણી
સામાજિક આંતર માળખાકીય સુવિધા : શાળાઓના મકાન, અર્બન હેલ્થ સેન્ટર, આંગણવાડી, સ્પોટર્સ સંકુલ, પ્લે ગ્રાઉન્ડ, સ્વીમીંગ પુલ, લાયબ્રેરી, હોકર્સ ઝોન, વેજીટેબલ માર્કેટ, પે એન્ડ યુઝ ટોયલેટ સહિત 43 કામ માટે 12107.76 કરોડની માગણી
અર્બન મોબીલીટી-શહેરી વિકાસ પરિવહન : બ્રિજના ચાલુ કામ, ટ્રાફિક વ્યવસ્થાપન માટે સિગ્નલ સહિતના વિવિધ 4 કામ માટે રૂૂ.1105 લાખની માગણી
શહેરની આગવી ઓળખ માટેના કામ : રિંગરોડ-2 અને જામનગર રોડ જંકશન પાસે આકર્ષક એન્ટ્રી ગેટ, વોર્ડ નં.3માં નવા વોટર-વે, લાયન સફારી પાર્ક એન્ટ્રસ પ્લાઝા, બગીચાઓમાં જુદી જુદી એમીનીટીશ, ગાર્ડન બ્યુટિફિકેશન, આજી રિવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગતના કામ સહિત 12 કામ માટે રૂૂ.7703.24 લાખની માગણી
મુખ્યમંત્રી શહેરી સડક યોજના : મુખ્યપ્રધાનના આગ્રહ મુજબ હવે બનતા નવા રોડ સિમેન્ટના બનાવવા, ચાલુ વર્ષના એકશન પ્લાન મુજબના રોડ, ટીપીના રસ્તા પહોળા કરવા, ફૂટપાથ, પેવીંગ બ્લોક સહિતના 40 કામ માટે 12000 કરોડની માગણી
નવા વિસ્તારના વિકાસ માટે : મનપામાં ભળેલા નવા વિસ્તારો, વાવડી, કોઠારિયા, મુંજકા, રૈયાધાર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામ જેવા કે, પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઇટ, સફાઇ સહિતના 35 કામ માટે 14250 લાખની માગણી
