રાજકોટનાં વોર્ડ નં 2માં આવેલા હરિહર ચોકમાં જૂના અને જર્જરિત આર્ક ટાઇપ ક્લવર્ટને દૂર કરીને તેના સ્થાને આધુનિક અને મજબૂત બોક્સ સ્લેબ ટાઇપ ક્લવર્ટનું કામ પૂર્ણ થતા છેલ્લા 1 વર્ષથી બંધ હરિહર ચોક ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ રસ્તો ખુલ્લો મુકવામાં આવતા લીમડા ચોકથી ચૌધરી હાઈસ્કૂલ તરફ આવતા-જતા હજારો વાહન ચાલકોને દરરોજ દોઢ કિલોમીટર લાંબો ફેરો ફરવામાંથી મુક્તિ મળી છે. જનરલ બોર્ડમાં તમામ નવા કામો સાથે કોન્ટ્રાકટરની જાણકારી મુકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કામના લોકાર્પણ સાથે હવેથી આ પ્રથાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે માત્ર રૂૂ. 2.20 કરોડના કામના લોકાર્પણમાં મેયર – ધારાસભ્ય તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિતનાં નેતાઓ ઉમટ્યા હતા.
હરિહર ચોક ખાતે નવું બોક્સ કલવર્ટ અને રિટેઈનિંગ વોલ બનાવવાની જટિલ કામગીરી દરમિયાન લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી શહેર પોલીસ કમિશનર દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાશી વિશ્વનાથ મેઈન રોડથી હરિહર ચોક તરફ જતાં બંને તરફના માર્ગો વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા હતા અને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. સાથે જ વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક રૂૂટની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ડાયવર્ઝનના કારણે લીમડા ચોક અને પંચનાથ મંદિર રોડથી હરિહર ચોક થઈ ચૌધરી હાઈસ્કૂલ તરફ જવા માગતા વાહનોને હેડ પોસ્ટ ઓફિસ, જ્યુબિલી ગાર્ડન ચોક અને જવાહર રોડ તરફથી ફરીને જવું પડતું હતું.
આ ઉપરાંત હરિહર ચોકથી સદર પોલીસ ચોકી, સદર વન-વે, ફૂલછાબ ચોક તેમજ આર-વર્લ્ડ સિનેમા, શારદાબાગ સ્થિત આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક, ભીલવાસ ચોક અને કાશી વિશ્વનાથ મેઈન રોડ થઈને વાહનોની અવરજવર થતી હતી. આ વૈકલ્પિક માર્ગોના કારણે વાહનચાલકોને દૈનિક 1થી 1.5 કિલોમીટર સુધી વધારાનો ફેરો કરવો પડતો હતો. સદર બજાર, હોસ્પિટલ ચોક અને ચૌધરી હાઈસ્કૂલ તરફ જતા અનેક લોકોને આ પ્રદક્ષિણાના કારણે સમય અને ઈંધણનો વ્યય સહન કરવો પડતો હતો. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ પણ જોવા મળતુંહતું. જોકે હરિહર ચોકને ખુલ્લો મુકવામાં આવતા વાહનચાલકોને રાહત મળી છે.
કલવર્ટનું કામ સમય મર્યાદામાં પુંરુ કરાયુ : મેયર
રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લએ આ તકે જણાવ્યું હતું કે, શહેરનાં હરિહર ચોકમાં ચાલતું બોક્સ કલવર્ટનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામનું લોકાર્પણ થતા દરરોજ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને રાહત મળશે. તેમજ પાણીનો યોગ્ય નિકાલ થતા આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ હલ થશે. જનરલ બોર્ડમાં લેવાયેલા નિર્ણય મુજબ આ કામ ક્યાં કોન્ટ્રાક્ટરે ક્યારે, કેટલા ખર્ચે કર્યું ઉપરાંત ક્યાં સુધી તે કોન્ટ્રાકટરની જવાબદારી છે તેની સાથે જ કામ ક્યારે શરૂૂ થયું અને ક્યારે પૂર્ણ થયું અને કુલ કેટલો સમય લાગ્યો તે સહિતની જાણકારીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. હવે પછીના તમામ કામોમાં આ પ્રકારે બોર્ડ લગાવવામાં આવશે.
