શહેરના રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી પોલીસે બાતમીના આધારે દિલ્હીના શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો. દિલ્હી- પોરબંદર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા દિલ્હીના શખસને રેલવે એસઓજી અને એલસીબીની ટીમે દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી હથિયાર કબજે કરી તેની સામે આર્મ્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી હથિયાર કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવા જતો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ રેલવે એલસીબીના પીએસઆઇ જયુભા પરમાર અને ટીમ તથા એસઓજીની ટીમ રેલવે સ્ટેશન પર ચેકિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે દિલ્હી- પોરબંદર એકસપ્રેસ ટ્રેનમાં એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ તેની અંગજડતી કરતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેનું નામ ઇન્દ્રપાલ સુરેન્દ્રપાલ નાગી(ઉ.વ 35)(રહે. દિલ્હી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી હથિયાર કબજે કરી તેની સામે આર્મ્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયેલો દિલ્હીનો આ શખસ ઓટો બ્રોકર હોવાનું માલુમ પડયું છે. આરોપી હથિયાર કોની પાસેથી લાવ્યો હતો.અને કોને સપ્યાલ કરવાનો હતો કે પછી તેણે શોખ માટે હથિયાર સાથે રાખ્યું હતું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. આ કામગીરીમાં પીએસઆઇ જયુભા પરમાર, રાઇટર બળભદ્રસિંહ, હેડ કોન્સ. સિધ્ધરાજસિંહ, હીતુભા બસીયા, જયવીરસિંહ તથા એલસીબી અને એસઓજીની ટીમ સાથે રહી હતી.
