સિવિલ રજિસ્ટ્રેશન સીસ્ટમમાં પાંચ વર્ષનો જૂનો ડેટા અપલોડ ન થતાં સુધારા સહિતની કામગીરી ખોરવાઇ
મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં ફરી અરજદારોની લાઇન જોવા મળી રહી છે. પૂછપરછ દરમિયમા માલુમ પડેલ કે, સિવિલ રજિસ્ટ્રેશન સીસ્ટમ પોર્ટલનો પ્રારંભ કર્યા બાદ બાકીના વર્ષોના ડેટા રીકવર ન થતા જન્મ-મરણના દાખલામાં સુધારા વધારા માટે આવતા લોકોની ેકામગીરી અટકી પડી છે. જૂનો ડેટા અપડેટ થતા સમય લાગશે પરંતુ હાલ કામગીરી થઇ શકે તેમ ન હોય અરજદારોને સમય આપી પરત બોલાવવામાં આવશે.
રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત ઇ-ઓળખ એપ્લિકેશનના બદલે કેન્દ્ર સરકારના (સિવિલ રેજિસ્ટ્રેશન સિસ્ટમ) પોર્ટલ પર શરૂૂ કરી દેવામા આવી છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી અપલોડની કામગીરી શરૂ ન થતાં જન્મ મરણના નવા દાખલા નીકળવાનું અને જૂના દાખલામાં સુધારા-વધારા બંધ થતાં રાજકોટ સહિત રાજ્યભરમાં ભારે દેકારો બોલી ગયો છે.
મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની કચેરીમાં જન્મ અને મરણના દાખલા કઢાવવા અને તેમાં સુધારા કરવા માટે જતાં દરરોજ હજારો અરજદારોને ધરમધક્કા થતા હોવાથી આ સોફ્ટવેરથી લોકોની સુવિધા વધવાના બદલે હેરાનગતિ વધી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. અને દૂર દૂર થી આવત અરજદારો છેલ્લા એક સપ્તાહથી પરેશાન થઇ રહ્યા છે. છતા સરકાર દ્વારા આ મુદ્દે આજ સુધી કોઇ જાતની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જન્મ-મરણ વિભાગમાથી જાણવા મેળલ છે. નવું પોર્ટલ જન્મ મરણના બનાવની નોંધણીને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ નવા ફેરફાર માટે તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓના જન્મ-મરણ વિભાગના રજિસ્ટ્રારને ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગર પાલિકાઓ, ગ્રામપંચાયતો, સરકારી અને ખાનગી હોસ્પિટલોના સ્ટાફને પણ આ પોર્ટલનો ઉપયોગ કરવા તાલીમ પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રક્રિયાથી અરજદારને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમથી દેખરેખ રાખવામાં આવશે અને જો કોઈ પ્રશ્ન ઊભો થશે તો તેનું સમાધાન કરવામાં આવશે તેવી જાહેરાત પણ સીઆરએસ પોર્ટલ લાગુ કરતી વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેરાત કરી હતી, પરંતુ સમયસર ઓપરેટીંગની સૂચના ન અપાતા કાર્યવાહી અટકી પડી છે.
એક સપ્તાહથી રાજકોટ સહિત રાજ્યભરની મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતોમાં જન્મ તથા મરણના દાખલામાં સુધારો કરાવવા જતા અરજદારોને ધરમધક્કા થઈ રહ્યા છે. નવુ પોર્ટલ કાર્યરત ન થતા 2020થી 2025સુધીમાં નીકળેેલા જન્મ-મરણના દાખલામાં સુધારા વધારા ન થઇ શકતા અરજદારો એ આ મુદ્દે ઉચ્ચઅધિકારી સુધી રજૂઆત કરી ઝડપથી પ્રશ્ર્નનો નિવેડો લાવવા જણાવ્યું છે.
મેપિંગની પળોજણ : નવા દાખલા નીકળતા બંધ
મનપાના જન્મ-મરણ વિભાગમાં રાજ્ય સરકારનું નવુ પોર્ટલ સંપૂર્ણ રીતે કાર્યરત ન થતા જૂના ડેટા અપલોડ કરવાની કામગીરી અટકી પડી છે. તો સાથોસાથ પ્રાઇવેટ હોસ્પિટલોનો મેપિંગ હાલમાં ચાલુ હોવાથી હોસ્પિટલો વધુ હોવાના કારણે તેમજ જન્મનો ડેટા 24 કલાક આવતો હોય નવા દાખલા નીકળવાની કામગરી પણ બંધ થઇ ગઇ છે. હજૂ સુધી નવા પોર્ટલમાં એડિટીંગના પાવર આપેલ ન હોય ઝડપથી સરકાર મંજૂરી આપે તો કાર્યવાહી પૂર્વવત થઇ શકે તેમ છે. તેમ જન્મ-મરણ વિભાગે જણાવ્યું હતું.
