મુખ્ય બસસ્ટેન્ડનો પ્રવેશવાનો દરવાજો બંધ કરી દિવાલ ચણી લેવાતા મુસાફરોમાં ભારે રોષ
યાત્રાધામ ચોટીલા ખાતે માર્ગ પરિવહન નિગમ દ્વારા મુખ્ય બસસ્ટેન્ડમાં ગામ તરફથી પ્રવેશનો દરવાજો બંધ કરી ચણી લેવાયો અને હાઇવે પીક અપ નું નેતાઓએ લોકાર્પણ કર્યા બાદ પ્રથમ દિવસે જ અંધારપટ રહેતા લોકોમાં રમુજ ફેલાયું હતું.
સ્થાનિક લોકને મુખ્ય બસસ્ટેન્ડમાં પ્રવેશવા ચોર્યાસીનો ફેરો ફરવા જેવી અસુવિધા સર્જી છે તો બીજી તરફ હાઇવે ઉપર સૌરાષ્ટ્ર તરફ જનાર યાત્રિકો માટે સુગમ સૂવિધાજનક રૂૂ. 2.21 કરોડના ખર્ચે બનેલા નૂતન પીક અપ બસ સ્ટેન્ડનું સુરેન્દ્રનગર સાંસદ સહિતનાં હસ્તે રીબીન કટ કરી લોકાર્પણ અને તકતીનું અનાવરણ કરવામાં આવેલ હતું .
પવિત્ર યાત્રાધામ ચોટીલામાં બસ સ્ટેન્ડ ની હારમાળા ખડકાઈ છે. એક સમયે ડીવિઝનમાં સૌથી વધુ આવક ધરાવતો ડેપો રાજ રમતના ભોગે નામશેષનાં આરે છે ત્યારે શહેરનાં મુખ્ય બસ સ્ટેન્ડમાં ગામમાંથી પ્રવેશનાં રસ્તા ને બંધ કરી હાઇવે ઉપર સૌરાષ્ટ્ર તરફનાં પીક અપ બસ સ્ટેન્ડનું બુધવારના જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ચોટીલાનાં વતની જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોએ તકતી અનાવરણ સાથે લોકાર્પણ કરાયું હતું.
2043.00 ચો.મી. જમીનમાં આશરે રૂૂ.2.21 કરોડના ખર્ચ, આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરયુક્ત, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, વેઇટિંગ રૂૂમ, કંટ્રોલ રૂૂમ, વોટર રૂૂમ, પાર્સલ રૂૂમ, સ્ટોલ, શૌચાલય, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ શૌચાલય તથા સ્લોપીંગ રેમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આખી રાત બસ સ્ટેન્ડમાં અંધારપટ્ટ રહ્યો અને બસોએ હાઇવે ઉપર જ સ્ટોપ કર્યો!
હાઇવે પીક અપ નું નેતાઓએ ઉમળકાભેર લોકાર્પણ કરી ગયા બાદ મુસાફરો આ બસસ્ટેન્ડ અંદર તો બેઠા પણ એસટી બસો સ્ટેન્ડ આવવાને બદલે હાઇવે ઉપર જ ઉભી રહેતા યાત્રીઓને દોડધામ ની ફરજ પડેલ હતી અને બસો સ્ટેન્ડ ઉપર ના આવતા મુશ્કેલી નો સામનો કરવો પડેલ હતો તેમજ પ્રથમ દિવસે જ રાત્રીનાં ધબડકો જોવા મળેલ બસસ્ટેન્ડમાં લાઇટો બંધ રહેતા પ્રથમ દિવસે જ નૂતન પીક અપ બસ સ્ટેન્ડમાં અંધારપટ છવાયો હતો.
એસટી વિભાગની રાજરમત કોના લાભ માટે?
ચોટીલા નું મુખ્ય બસસ્ટેન્ડ આવેલ છે. ફક્ત લોકલ બસો ની અવર જવર છે. સ્થાનિકો માટે આ બસસ્ટેન્ડમાં પ્રવેશવા ગામ તરફનો ડેપો નો એકમાત્ર દરવાજો હતો જે હાલમાં જ દિવાલ ચણીને બંધ કરાતા લોકોને ચોર્યાસીનો ફેરો ફરવો પડે છે. અબાલ વૃધ્ધો માટે મોટી મુશ્કેલી સર્જાણી છે. સ્થાનિકોએ ગામનાં બસસ્ટેન્ડમાં આવવા જવા રીક્ષા જેવું વાહન જઇ શકે એવડા રસ્તાની માગણી છે. જુના ચોટીલા વિસ્તારનાં રહીશોમાં દરવાજો બંધ કરતા રોષ છે. એસ. ટી વિભાગ દ્વારા કોઇને લાભ ખટાવવા રાજ રમત આદરી હોવાની લોકોમાં ચર્ચા છે.
