દેશપ્રેમ, ફિટનેસ અને ગ્રીન ઈન્ડિયાનો સશક્ત સંદેશ આપ્યો : ભાગ લેનારાઓને ફિનિશર મેડલથી કરાયું સન્માન
રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા આયોજિત ‘સાયક્લોમાઇલ્સ 77 કિ.મી. સાઇકલિંગ’ કાર્યક્રમ રવિવાર, 25 જાન્યુઆરીના રોજ અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયો. કડકડતી ઠંડી વચ્ચે પણ 90થી વધુ સાઇકલિસ્ટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તમામ ભાગ લેનારાઓએ 77 કિ.મી.ની રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ કરી.
આ ઇવેન્ટનો ફ્લેગ ઓફ મુખ્ય મહેમાન ભારતભાઈ ઘોડાસરા (અગ્રણી ઉદ્યોગપતિ) સાથે વત્સલ પરસાણિયા (NHAI), યોગેશ જાની (108 એમ્બ્યુલન્સ ટીમ), આર. એસ. પરમાર (રાજકોટ પોલીસ) તથા જિગ્નેશ કામદાર (પ્રેસિડેન્ટ, રોટરી મિડટાઉન લાઇબ્રેરી) ના વરદ હસ્તે કરવામાં આવ્યો. ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીને અનોખી રીતે કરવા માટે આયોજિત આ ઇવેન્ટ દેશપ્રેમ, ફિટનેસ, અને ગ્રીન ઇન્ડિયાનો સશક્ત સંદેશ આપી ગયો જેમાંના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રોટરી મિડટાઉન લાઇબ્રેરીનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો. છેલ્લા 10 વર્ષથી ગુણવત્તાયુક્ત સાઇકલિંગ ઇવેન્ટ્સનું આયોજન કરતી અનુભવી ટીમે આ કાર્યક્રમને સુવ્યવસ્થિત આયોજન સાથે સફળ બનાવ્યો.
રાઇડ પૂર્ણ થયા બાદ તમામ ભાગ લેનારાઓને ફિનિશર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાછળ રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન તથા રાજકોટ સાઇકલ ક્લબના સ્વયંસેવકોની વિશાળ મહેનત અને સાચી લગનભરી ટીમવર્ક મુખ્ય કારણ રહ્યું. કડકડતી ઠંડી અને લાંબા હાઇવે રૂૂટ હોવા છતાં, વહેલી સવારથી લઈને ઇવેન્ટ પૂર્ણ થાય ત્યાં સુધી બંને સંસ્થાની ટીમે હાઇવે પર સતત હાજર રહી આયોજન, સલામતી, હાઇડ્રેશન, માર્ગદર્શન અને વ્યવસ્થાપન જેવી દરેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી જે ખરેખર પ્રશંસનીય છે.
