રાજકોટ જીલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શાપર-વેરાવળ, પડધરી, ગોંડલ અને મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઇન છેતરપિંડીના ચાર અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં સાયબર ઠગોએ બેંક અધિકારી કે કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી, વિગતવાર આયોજન સાથે કુલ રૂૂ. 4,75,945 ની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ક્રેડિટ કાર્ડ લીમિટ વધારવાના નામે રૂૂ. 63,370 ની ઠગાઈ
પ્રથમ બનાવમાં શાપર (વેરાવળ) ખાતે આવેલી અંજનેય વિલા સોસાયટીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા દિનેશભાઇ પ્રવિણભાઇ જોષી (ઉ.વ.46)ને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે આઈસીઆઈસીઆઈ બેંકનો અધિકારી હોવાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ વોટ્સએપ પર એક શંકાસ્પદ એપ્લિકેશન મોકલી દિનેશભાઇનો મોબાઇલ હેક કરી લીધો હતો. સાયબર ગઠીયાએ તેમના ક્રેડિટ કાર્ડમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂૂ. 63,370 ઉપાડી લીધા હતા.
ખામટા ગામના પશુપાલક ખાતામાંથી રૂૂ. 66,998 ઉપડી ગયા
બીજો બનાવ પડધરી તાલુકાના ખામટા ગામે બન્યો છે. પશુપાલનનો વ્યવસાય કરતા મચ્છાભાઈ લાખાભાઈ સાનીયા (ઉ.વ.50)ના મોબાઇલમાં સોશિયલ મીડિયા અથવા ફ્રોડ હાઇડ એપ્લિકેશન મારફતે મોબાઇલ હેક કરવામાં આવ્યો હતો. અજાણ્યા સાયબર હેકર્સે મચ્છાભાઈના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી કુલ 05 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને રૂૂ. 66,998 અન્ય બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી લીધા હતા. પડધરી પોલીસે આ ગુનો દાખલ કર્યો છે.
ઈન્સ્યોરન્સ બંધ કરાવવાના નામે અઙઊં ફાઈલ મોકલી રૂૂ. 2.45 લાખની છેતરપિંડી
ગોંડલના રાધાકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા વેપારી સુનીલભાઇ બાલુભાઇ લાલવાણી (ઉ.વ.49) સાથે સૌથી મોટી ઠગાઈ થઈ છે. ઠગે કસ્ટમર કેર અધિકારી બની સુનીલભાઇને ફોન કરી જણાવ્યું હતું કે તેમના ક્રેડિટ કાર્ડમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ચાલુ છે, જેનો દર ત્રણ મહિને રૂૂ. 5,400 ચાર્જ લાગશે. આ પ્લાન બંધ કરવા માટે ’indusind credit card.apk’ ફાઇલ મોકલી કેવાયસી પ્રોસેસ કરાવી હતી. આ રીતે આરોપીએ સુનીલભાઇનો ફોન કોલ ફોરવર્ડિંગ પર મૂકીને: ઇન્ડુસન ક્રેડિટ કાર્ડમાંથી: રૂૂ. 1,88,000,એસબીઆઈ ક્રેડિટ કાર્ડમાંથી રૂૂ. 50,000 અને કોટક મહેન્દ્રા ક્રેડિટ કાર્ડમાંથી: રૂૂ. 7,198 એમ કુલ મળીને રૂૂ. 2,45,198 ની રકમ સગેવગે કરી લીધી હતી. ગોંડલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 319(2), 318(1) તથા આઇ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
બેંક વ્યાજ અને કૂપનની લાલચ આપી યુવતી સાથે રૂૂ.1 લાખનો ફ્રોડ
ચોથો બનાવ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં રહેતી અને નોકરી કરતી છાયાબેન બળદેવભાઈ કણઝારીયા (ઉ.વ.24) સાથે બન્યો છે. તા.15/09/2026 ના રોજ અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી કોલ કરીને બેંક કર્મચારી તરીકે ઓળખ આપી “તમારા એકાઉન્ટનું વ્યાજ મળેલ છે” તેમ કહી ગૂગલ પે પર રૂૂ. 3,599 નું કૂપન મોકલ્યું હતું. કૂપન મેળવવા માટે પાસવર્ડ નાખી ’પે’ કરવાનું કહેતા, યુવતીએ પ્રોસેસ કરી હતી. પરિણામે તેના એકાઉન્ટમાંથી કુલ 9 ટ્રાન્ઝેક્શન દ્વારા રૂૂ. 1,00,779 ઉપડી ગયા હતા. સ્થાનિક પોલીસે ચારેય બનાવોમાં અજાણ્યા સાયબર ક્રિમીનલો સામે ગુના નોંધી, બેંક એકાઉન્ટ વિગતો અને મોબાઇલ નંબર આધારે વધુ તપાસ હાથ ધરી છે.
