વસંત પરેશ બંધુને ખ્યાતનામ કલાકારો-અગ્રણીઓ સહિત ચાહક વર્ગ દ્વારા શ્રદ્ધાંજલિ
જામનગરનાં વતની અને હાસ્ય કલાકાર તરીકે દેશ – વિદેશમાં ખ્યાતિ મેળવી જનમાનસમાં હાસ્ય સમ્રાટનું બિરૂૂદ મેળવનાર વસંત પરેશ પબંધુથ નું 70 વર્ષની વયે અવસાન થતા તેમનાં પરીવારજનો સહિત લાખો ચાહકોનાં મનમાં શોકની લહેર દોડી ગઇ હતી.વસંત પરેશે વ્યારામાં અંતિમ શ્વાસ લીધા પછી તેમનાં શવને એમ્બ્યુલન્સ દ્વારા જામનગર લાવવામાં આવ્યું હતું અને વતનમાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.
શહેરમાં મંગલબાગ વિસ્તારમાં આવેલ તેમનાં નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં. હાસ્યકાર સાંઇરામ દવે સહિતનાં ખ્યાતનામ કલાકારો તથા કલાજગતનાં સ્થાનિક મહાનુભાવો અને વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ તેમને અંતિમ વિદાય આપવા ઉમટ્યા હતાં. ઉદાર અને માયાળુ સ્વભાવને કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા વસંત પરેશનો ચાહક વર્ગ વિશાળ હોય એ સ્વાભાવિક છે. તમામ લોકોએ તેમનાં પત્ની અનિતાબેન તથા પુત્ર ચિંતન સહિતનાં કુટુંબીજનોને સાંત્વના પાઠવી હતી. સ્વજનો, મિત્ર વર્ગ તથા ચાહકો તમામે તેમને ભીની આંખે વિદાય આપી હતી. તેમની ચિરવિદાય સાથે જ હાસ્યજગતનાં એક સિતારો આથમી ગયો એમ કહી શકાય.