પાક તો ફરી ઉગી શકશે, પણ જીવ ગયા પાછા નહીં આવે

મેવાસાના ધરતીપુત્રોની જીવદયાએ જીત્યું સૌનું દિલ: ગરમીના કપરા કાળમાં માછલીઓ બચાવવા ખેડૂતોએ પોતાના બોર-કૂવાના પાણી તળાવમાં વાળ્યા આજના સ્વાર્થી યુગમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાના આર્થિક…

મેવાસાના ધરતીપુત્રોની જીવદયાએ જીત્યું સૌનું દિલ: ગરમીના કપરા કાળમાં માછલીઓ બચાવવા ખેડૂતોએ પોતાના બોર-કૂવાના પાણી તળાવમાં વાળ્યા

આજના સ્વાર્થી યુગમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાના આર્થિક નફા-નુકસાનનો વિચાર કરે છે, ત્યારે ચોટીલાના મેવાસા (સુખસર) ગામના ત્રણ ખેડૂત પુત્રોએ માનવતા અને જીવદયાનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના તળાવમાં પાણી સુકાઈ જતાં હજારો જળચર જીવો મોતને ભેટવાની તૈયારીમાં હતા, ત્યારે આ ખેડૂતોએ પોતાના ઉભા પાકની ચિંતા કર્યા વિના મૂંગા જીવોને બચાવવાનો નિર્ણય લીધો હતો.

મેવાસા ગામના સ્થાનિક તળાવમાં પાણીનું સ્તર અત્યંત નીચે જતા તેમાં રહેલી હજારો માછલીઓ અને અન્ય જળચર જીવો પાણી વિના તરફડી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને ગામના સંવેદનશીલ ખેડૂતોનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેમણે પાકને મળતા પાણીના સ્ત્રોતને માછલીઓના જીવન બચાવવા માટે વાળી દીધા હતા. આ પરમાર્થ જીવદયાના કાર્યમાં મેવાસા ગામના ખેડૂત ભાઈઓ રેથલીયા વિજયભાઈ લાખાભાઈ, મજીઠીયા રામશીભાઈ બચુભાઈ અને ખાચર દિનુભાઈ અનુભાઈ એ આગળ આવીને રાત-દિવસ જોયા વિના પોતાના ખેતરના બોર અને કુવાઓ ચાલુ કરી દીધા હતા. પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી પહોંચાડીને તેમણે મૂંગા જીવોને નવજીવન આપ્યું છે.

ખેડૂતોના આ નિ:સ્વાર્થ કાર્યની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં ખેડૂતો પ્રત્યે આદરની લાગણી જન્મી છે. લોકોનું કહેવું છે કે, ખેતરના મોંઘા પાકને બાજુ પર મૂકીને મૂંગા જીવો માટે પાણી આપવું એ સાચા ધરતીપુત્રના જ સંસ્કાર હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *