શહેરના સામાકાંઠા વિસ્તારમાં આર્યનગરમાં રહેતા બે પરપ્રાંતિય ભાઈઓની સાળાબનેવીએ કરેલી હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં બન્નેની ધરપકડ કરી હતી. આ અંગે તપાસમાં જાણવા મળ્યું કે, હત્યા કરનાર બન્ને સાળા-બનેવી અને મૃતકને મકાન ભાડે આપનાર મકાન માલીકે પોલીસને જાણ કરી ન હોય જેથી આ અંગે પોલીસે મકાન માલીક વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે. હત્યા કરીને સાળો બનેવી બન્ને મોબાઈલ ઘરે મુકી ભાગી ગયા હોય અને બન્ને રાજકોટ મુકી પોતાના દેશમાં ભાગે તેમ હોય ક્રાઈમ બ્રાંચે ટેક્નિકલ મદદ વિના બન્ને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતાં.
મળતી વિગતો મુજબ સંતકબીર રોડ ઉપર આર્યનગર શેરી નં. 1/6ના ખુણે ગોવિંદબાગ સાકમાર્કેટ પાસે દિપકભાઈ નાગજીભાઈ ઉધાડના મકાનમાં ભાડેથી રહેતા મુળ મધ્યપ્રદેશના જબલપુરના વતની અમિત રાજુ જૈન ઉ.વ.29 અને તેના ભાઈ વિકી રાજુ જૈન ઉ.વ.26 ઉપર તે જ મકાનમાં ઉપરના માળે ભાળેથી રહેતા મુળ બિહારના છોટુ શંકર ગુપ્તા અને વિજય ગુપ્તાએ છરીના ઘા ઝીંકી દઈ બન્નેની હત્યા કરી હતી. દિપક ઉધાડના મકાનમાં બન્ને ભાડેથી રહેતા હોય અને એક જ મકાનમાં બે પાડોશી વચ્ચે સહિયારા સૌચાલયના ઉપયોગ મામલે ખુની ખેલ ખેલાયો હતો. હત્યા કરનાર સાળો બનેવી મોબાઈલ ઘરે મુકીને ભાગી ગયા હોય જેને પકડવા માટે બીડીવીઝન અને ક્રાઈમ બ્રાંચની 6 ટીમો કામે લાગી હતી.
બન્નેના મોબાઈલ ઘરે હોય જેથી ટેક્નિકલ રીતે લોકેશન મળવું મુશ્કેલ હતું અને આ ગંભીર બનાવમાં બન્ને આરોપીઓ હત્યા કરીને પોતાના રાજ્યમાં ભાગી જાય તેવી દહેશતને પગલે ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો કામે લાગી હતી જેમાં બન્ને સાળો બનેવી પોતાનું મોટર સાયકલ લઈને ભાગ્યા હોય જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે પીછો કરી અને ગણતરીના કલાકોમાં બન્નેની ધરપકડ કરી હતી. આ મામલે મૃતકના પત્ની અમિનાબેને બીડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. એક જ મકાનમાં બન્ને પરપ્રાંતિયોને રૂમ ભાડે આપવા અંગે અને આ અંગેની જાણ પોલીસમાં નહીં કરવા બદલ મકાન માલીક દિપક નાનજી ઉધાડ સામે ગુનો નોંધ્યો હતો. હત્યારા સાળા-બનેવી પાસે સમગ્ર ઘટનાનું બિ ડિવિઝન પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યું હતું.
