જાલીનોટ પકડવા ગયેલી ક્રાઈમ બ્રાંચ ભાઠે ભરાઈ

16 હજારની નોટો સાથે મહારાષ્ટ્રીયન શખ્સને પકડી તપાસ કરતાં અસલી નોટ નીકળી; મુખબિર બન્યો બુખબહિર બાતમીદારની બાતમી પર ભરોસો ભારે પડ્યો મહત્વના ગુન્હાઓમાં તાત્કાલીક કામગીરી…

16 હજારની નોટો સાથે મહારાષ્ટ્રીયન શખ્સને પકડી તપાસ કરતાં અસલી નોટ નીકળી; મુખબિર બન્યો બુખબહિર બાતમીદારની બાતમી પર ભરોસો ભારે પડ્યો

મહત્વના ગુન્હાઓમાં તાત્કાલીક કામગીરી કરતી ક્રાઈમ બ્રાંચનો મુખબિર જ બુખબહિર બનતા ટીમ ભાઠે ભરાઈ હતી. બાતમીદારે આપેલી ખોટી બાતમીથી ક્રાઈમ બ્રાંચની ટીમને નીચા જોણુ થયું હતું. મહારાષ્ટ્રથી જાલી નોટો સાથે એક શખ્સ રાજકોટ આવ્યો હોવાની બાતમીદારની માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્ર પાર્સિંગની કાર સોખડા-બેડી વચ્ચે અટકાવી હતી અને તલાસી લેતાં 500ના દરની 21 અને 100 વાળી 58 એમ કુલ 16,300ની નોટો મળી આવી હતી. આ નોટ જાલી હોય પોલીસે મહારાષ્ટ્રીયન શખ્સને ઉઠાવી લીધો હતો અને ક્રાઈમ બ્રાંચે લાવી તેની પુછપરછ કરી હતી અને આ જાલી નોટ બાબતે ખાતરી કરવા માટે બેંકના મેનેજર અને એફએસએલ અધિકારીની મદદ લીધી હતી ત્યારે ક્રાઈમ બ્રાંચે કબજે કરેલી નોટ અસલી હોવાનું સામે આવતાં ક્રાઈમ બ્રાંચની ટીમ ભોઠી પડી હતી અને આ મહારાષ્ટ્રીયન શખ્સને છોડી મુકવો પડયો હતો. આમ બાતમીદારની માહિતી ઉપર ભરોસો કરી ક્રાઈમ બ્રાંચે કરેલી કામગીરીમાં ટીમ ભાઠે ભરાઈ ગઈ હતી.

મોટા ગુનાઓમાં તાત્કાલીક કામગીરી કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ વાહવાહી મેળવતી મહત્વની ગણાતી ક્રાઈમ બ્રાંચ પણ ઘણી વખત ભુલ કરી જાય છે. તેવો એક કિસ્સો તાજેતરમાં જ બન્યો હતો. ક્રાઈમ બ્રાંચની એક ટીમને બાતમીદારે બાતમી આપી કે રાજકોટમાં મહારાષ્ટ્રથી જાલી નોટો સપ્લાય કરવા માટે એક શખ્સ જાલી નોટ સાથે રાજકોટ આવી રહ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી બેડી અને સોખડા વચ્ચે મહારાષ્ટ્ર પાર્સિંગની એમ.એચ.સિરીઝની 3722 નંબરની કારને અટકાવી હતી અને કારમાં બેઠેલા મહારાષ્ટ્રનાં એક શખ્સને અટકાવી તેની તલાસી લેતાં તેની પાસેથી રૂા.500ના દરની 21 અને 100ના દરની 58 એમ કુલ 16300ની રોકડ મળી આવી હતી. ક્રાઈમ બ્રાંચને બાતમીદારે જે માહિતી આપી હતી તે જાલી નોટ સાથે શખ્સને દબોચી લીધાની કામગીરીથી ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ સહિતની ટીમ ઉત્સાહમાં આવી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ કામગીરી અંગે જાણ કરી દીધી હતી.

ક્રાઈમ બ્રાંચની આ ઉત્સાહી કામગીરીની ખુશી માત્ર થોડા સમય માટે જ રહી હતી. ક્રાઈમ બ્રાંચે જાલી નોટ અંગે સ્થળ પર કાર્યવાહી કરી બાદમાં આ મહારાષ્ટ્રીય યુવાનને ક્રાઈમ બ્રાંચે લાવી તેની આગવી ઢબે પુછપરછ પણ કરી હતી અને ત્યારબાદ એફએસએલ અધિકારી અને એસબીઆઈના મેનેજરને બોલાવી ખાતરી કરતાં ક્રાઈમ બ્રાંચે જાલી નોટ માનીને કબજે કરેલ 16300ની 500ના દરની અને 100ના દરની નોટ અસલી હોવાનો અભિપ્રાય આપવામાં આવતાં ક્રાઈમ બ્રાંચની ટીમ ભોઠી પડી હતી અને બાતમીદારની બાતમી ઉપર ભરોસો ભારે પડયો હતો અને ક્રાઈમ બ્રાંચની ટીમ ભાઠે ભરાઈ હતી અંતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ બાબતની જાણ થતાં ક્રાઈમ બ્રાંચના આ પીએસઆઈની ટીમને ઠપકો પણ સહન કરવો પડયો હતો અને અંતે મહારાષ્ટ્રીયન યુવાનને તેની રોકડ પરત આપી છોડી મુકવો પડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *