150 ટકાનો વધારો કરાયો: કલેક્ટર-ડીડીઓને હવે ભોજન માટે રૂા.180, સચિવ કક્ષાના અધિકારીઓ રૂા.250 વાપરી શકશે
રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ દ્વારા કરવામાં આવતા નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના સચિવ કક્ષાના અધિકારીઓની નાસ્તા માટે વ્યક્તિગત રૂા.20ની જગ્યાએ રૂા.50 રૂૂપિયાનો વધારો કરાયો છે, જ્યારે બપોરનું કે રાતનું ભોજન વ્યક્તિગત 100 રૂપિયાની જગ્યાએ 250 રૂપિયા કરાયા છે. વાર્ષિક 10,000 રૂપિયાની જગ્યાએ 25,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સચિવ કક્ષાના અધિકારીઓ દ્વારા આતિથ્ય ખર્ચમાં પણ 150 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નાયબ સચિવ કક્ષાના અધિકારીઓ માટે નાસ્તા માટે વ્યક્તિગત 15 રૂપિયાની જગ્યાએ 35 રૂપિયા કરાયા છે. જ્યારે એડિશનલ કમિશનર કક્ષાના અધિકારી માટે આતિથ્ય વાર્ષિક ખર્ચ રૂા.5,000 માંથી વધારીને 12500 કરાયા છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની કક્ષાએ 15 રૂપિયાથી 35 રૂપિયા વ્યક્તિગત નાસ્તા માટેનો ખર્ચની મર્યાદા વધારવામાં આવી છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બપોરનું કે રાત્રી ભોજન વ્યક્તિગત 75ની જગ્યાએ વધારી 180 રૂપિયા કરાયા છે. જિલ્લાના વડા કે ખાતાના વડા માટે નાસ્તાની 10 રૂપિયાની મર્યાદા વધારી 25 કરાઈ છે. જ્યારે મહેમાનગતિ ખર્ચની મર્યાદા 3,000 રૂૂપિયા થી વધારી 7500 રૂૂપિયા કરાઈ છે.
ઉપર મુજબની મર્યાદા વર્ષ 2025-26થી એટલે કે, તા. 01/04/2025 થી લાગુ થઇ છે. આ સત્તા મર્યાદા કરતા વધુ ખર્ચ ન થાય તે દરેક અધિકારીએ સુનિશ્ચિત કરવાનું રહેશે. જો કોઈ ખાસ કારણોને લીધે આ સત્તા મર્યાદા કરતા વધારે ખર્ચ થાય તો સત્તા મર્યાદાના 10% સુધીનો ખર્ચ સંબંધિત વિભાગના વડા, ખર્ચ વધારે થવાના કારણો ચકાસી મંજૂર કરી શકશે.
