ભક્તિનગર સર્કલ પાસે યુવકની કરપીણ હત્યા કરનાર મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભક્તિનગર સર્કલ પાસે એક ચકચારી હત્યાની ઘટના સામે આવી હતી. સહકાર મેઈન રોડ પર રહેતા 27 વર્ષીય વિમલ…

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભક્તિનગર સર્કલ પાસે એક ચકચારી હત્યાની ઘટના સામે આવી હતી. સહકાર મેઈન રોડ પર રહેતા 27 વર્ષીય વિમલ ધર્મેન્દ્રભાઈ વાણીયા નામના યુવકે આરોપી કમલેશ લાખાભાઈ ધાંધલની બહેન શીતલબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો મનમાં ખાર રાખીને આરોપી કમલેશ ધાંધલ અને તેની સાથેના અન્ય બે અજાણ્યા માણસોએ ભક્તિનગર સર્કલ પાસે ઓમ ટ્રાવેલ્સની ઓફિસ સામે વિમલને આંતર્યો હતો. આરોપીઓએ વિમલ પર છરી વડે આડેધડ અનેક ઘા ઝીંકી દઈને ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું કરપીણ મોત નીપજાવ્યું હતું. આ સમગ્ર મામલે મરણજનાર વિમલની માતા ભારતીબેન વાણીયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), એટ્રોસિટી એક્ટ તથા જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

આ ચકચારી અને ગંભીર મર્ડર કેસની સંવેદનશીલતાને ધ્યાને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓને વહેલી તકે પકડી પાડવા કડક સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

આ ટીમોએ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. આ ચોક્કસ હકીકતના આધારે પોલીસે કુવાડવા ગામ હાઇવે પર વોચ ગોઠવીને મુખ્ય આરોપી કમલેશ લાખાભાઈ ધાંધલ (ઉંમર 25, રહે. શિવધારા સોસાયટી, કોઠારીયા રીંગ રોડ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની સાથે સામેલ અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *