લાલપુર-ગોપગામ વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, સમયસૂચકતાથી દુર્ઘટના ટળી

જામનગર જિલ્લાના લાલપુર અને ગોપગામ રેલવે સ્ટેશન વચ્ચે સણોસરા ગામની સીમમાં રેલવે ટ્રેક પર આશરે ત્રણ ફૂટ લાંબો જૂનો લોખંડનો ટુકડો મૂકવામાં આવતાં કાનાલુસપોરબંદર ટ્રેન…

જામનગર જિલ્લાના લાલપુર અને ગોપગામ રેલવે સ્ટેશન વચ્ચે સણોસરા ગામની સીમમાં રેલવે ટ્રેક પર આશરે ત્રણ ફૂટ લાંબો જૂનો લોખંડનો ટુકડો મૂકવામાં આવતાં કાનાલુસપોરબંદર ટ્રેન નંબર 59205ના એન્જિન સાથે અથડાવાની ઘટના બની હતી. રેલવે ટ્રેક પર અવરોધ ઊભો કરી ટ્રેનના મુસાફરોને નુકસાન પહોંચાડવાના ઇરાદે આ ટુકડો મૂકવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતાં રેલવેની સલામતીને લગતો ગંભીર મામલો સામે આવ્યો છે.

ટ્રેન ઉથલાવવાના ઇરાદે આ કૃત્ય કર્યું હોવાની આશંકાને ગંભીરતાથી લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે લાલપુર રેલવે કોલોનીમાં રહેતા અને ભાવનગર ડિવિઝનના રેલવે એન્જિનિયરિંગ વિભાગમાં જુનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ રામખીલાડીભાઈ મીનાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ છેલ્લા છ વર્ષથી રેલવે એન્જિનિયરિંગ વિભાગમાં ફરજ બજાવે છે અને છેલ્લા બે વર્ષથી લાલપુરગોપગામ રેલવે ટ્રેકની જાળવણી તથા સલામતીની કામગીરી સંભાળે છે.

ફરિયાદની વિગતો મુજબ, તા. 13 ઓક્ટોબરના રોજ બપોરે 2:52 વાગ્યે ભાવનગરના એન્જિનિયરિંગ કંટ્રોલ રૂૂમમાંથી રાજેશભાઈ મીનાને ફોન આવ્યો હતો. તેમાં લાલપુરથી ગોપજામ તરફના રેલવે ટ્રેક પર સણોસરા ગામની સીમમાં કિલોમીટર 883/08થી 883/09 વચ્ચે કાનાલુસપોરબંદર ટ્રેન નંબર 59205ના એન્જિન સાથે મીટરગેજનો આશરે ત્રણ ફૂટ લાંબો જૂનો લોખંડનો ટુકડો અથડાયો હોવાની જાણ કરવામાં આવી હતી. ટ્રેનના ચાલક અને ગાર્ડે આ અંગે કંટ્રોલ રૂૂમને જાણ કરી હતી.

આ માહિતી મળતાં રાજેશભાઈ મીના લાલપુર રેલવે સ્ટેશનના ટ્રોલીમેન વિજયભાઈ મગનભાઈ સઠોડને સાથે લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં રેલવેના પાટા પર ઘસાવાનાં નિશાન જોવા મળ્યાં હતાં. પાટાની બાજુમાં આવેલા પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટના સ્લીપર પર પણ ઘસાવાનાં નિશાન જણાયાં હતાં. ત્યારબાદ તેમણે ભાવનગરના એન્જિનિયરિંગ કંટ્રોલ રૂૂમને ટ્રેકની સ્થિતિ અંગે જાણ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, બનાવના દિવસે સવારે આશરે 9 વાગ્યે રાજેશભાઈ મીના ગોપજામ રેલવે સ્ટેશન તરફ ટ્રોલી નિરીક્ષણ માટે નીકળ્યા હતા. સવારે 10 વાગ્યાની આસપાસ તેઓ આ સ્થળેથી પસાર થયા ત્યારે રેલવે ટ્રેક પર કોઈ અવરોધ નહોતો. ત્યારબાદ સવારે 10:41 વાગ્યે કીમેન વેજાભાઈ ભીખાભાઈ પણ ત્યાંથી પસાર થયા હતા. બપોરે આશરે 12:15 વાગ્યે મોતીહારી એક્સપ્રેસ ટ્રેન નંબર 19270 પણ આ સ્થળેથી પસાર થઈ હતી, ત્યારે કોઈ બનાવ બન્યો નહોતો.

આથી બપોરે 12:15થી 2:28 વાગ્યા વચ્ચેના સમયગાળામાં કોઈ અજાણ્યા શખ્સે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ટુકડો ટ્રેનના એન્જિન સાથે અથડાતાં નુકસાન થયું હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.

રેલવે કંટ્રોલ રૂૂમ દ્વારા ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવ્યા બાદ પોરબંદર રેલવે સુરક્ષા દળના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ રાજેશભાઈ મીનાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, રેલવે અધિનિયમ અને જાહેર મિલકતને નુકસાન થતું અટકાવવા સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો કોણે અને કયા હેતુથી મૂક્યો હતો તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *