BCBની ચૂંટણીમાં ગેરરીતિની તપાસ માટે કમિટી બનાવાય છે
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે ઘર્ષણ વધી ગયું છે, દેશના ખેલ મંત્રાલયે બીસીબીની ચૂંટણીમાં ગરબડ થઈ હોવાના આરોપને પગલે તપાસ કમિટી બનાવી છે જેના પર બીસીબીએ એના પર ‘દરમ્યાનગીરી’નો આક્ષેપ કર્યો છે. એક તરફ આઇસીસી ના નિયંત્રણોની લટકતી તલવાર છે ત્યાં બીજી બાજુ તમીમ ઇકબાલના આરોપોએ વિવાદને વધુ જટિલ બનાવી દીધો છે. ક્રિકેટ બોર્ડે તપાસ સમિતિ બરખાસ્ત કરવાની માગણી કરી છે.
બાંગ્લાદેશ ક્રિકેટ હજી હમણાં જ ટી-20 વર્લ્ડ કપમાંથી થયેલી હકાલપટ્ટીના આઘાતમાંથી બહાર આવ્યું છે ત્યાં બીસીબીએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે બોર્ડના વિષયોમાં એણે જરાય દરમ્યાનગીરી કરવી નહીં, કારણકે એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નિયમની વિરુદ્ધ કહેવાય અને આવી દરમ્યાનગીરી દેશની ક્રિકેટ માટે ગંભીર પરિણામ લાવી શકે છે.
ખેલ મંત્રાલયે ગયા વર્ષે બીસીબીની ચૂંટણીમાં થયેલી ગેરરીતિ સંબંધમાં તપાસ માટે પાંચ મેમ્બરની કમિટી રચી છે. આ સમિતિને 11મી માર્ચથી માંડીને 15 દિવસની અંદર રિપોર્ટ આપી દેવા કહેવામાં આવ્યું છે. ચૂંટણીમાં અનિયમિતતા, હેરાફેરી તથા સત્તાના દુરુપયોગ જેવા આરોપો થયા છે. સામાન્ય રીતે કોઈ દેશના ક્રિકેટ બોર્ડના કારભારમાં એ દેશની સરકાર દરમ્યાનગીરી કરે તો આઇસીસી એ દેશની નેશનલ ક્રિકેટ ટીમના અમુક સમય સુધી રમવા પર પ્રતિબંધ મૂકે છે.
ભૂતપૂર્વ ઓપનર તમીમ ઇકબાલે બીસીબીના અધ્યક્ષ અમિનુલ ઇસ્લામ પર ચૂંટણીની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ મૂક્યો ત્યારથી વિવાદ શરૂૂ થયો હતો. અમિનુલે કેટલાક જિલ્લાના કાઉન્સેલર બદલવાનું ખેલ મંત્રાલયને કહ્યું હોવાનો આરોપ તમીમે મૂક્યો હતો. એ ઉપરાંત, ચૂંટણીની ઉમેદવારી નોંધાવવા સંબંધિત તારીખ બે વખત બદલવાનો આરોપ પણ અમિનુલ પર મૂકાયો હતો.
