સરકારના કેટલાક વિભાગોને ઉદ્યોગ ગણવાની દ્વિધામાં સુપ્રીમ

ઈરાન વર્સીસ ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની મોંકાણમાં એક બહુ મોટી ઘટના પર લોકોની નજર નથી ગઈ. આ ઘટના સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચ દ્વારા ઔદ્યોગિક વિવાદ…

ઈરાન વર્સીસ ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની મોંકાણમાં એક બહુ મોટી ઘટના પર લોકોની નજર નથી ગઈ. આ ઘટના સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચ દ્વારા ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947 હેઠળ કામકાજ તથા આર્થિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં ’ઉદ્યોગ’ને વ્યાખ્યાયિત કરવા માટે શરૂૂ કરાયેલી સુનાવણી છે. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતના વડપણ હેઠળની બેંચ આ સુનાવણીમાં ઘણા બધા મુદ્દાને આવરી લેવાની છે પણ તેમાં બે મુદ્દા મુખ્ય છે. પહેલો મુદ્દો એ કે, તમામ પ્રકારની સંગઠિત પ્રવૃત્તિને ઉદ્યોગ ગણવી જોઈએ ? અને બીજો મુદ્દો એ છે કે, સરકારના વિભાગો પણ ઉદ્યોગ ગણાય કે નહીં ? અત્યારે ‘ઉદ્યોગ’ની જે વ્યાખ્યા છે એ 1978માં સુપ્રીમ કોર્ટે ‘બેંગલૂરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ’ કેસમાં આપેલા ચુકાદા પર આધારિત છે. જસ્ટિસ અય્યરે આ ચુકાદામાં ઉદ્યોગની વિસ્તૃત વ્યાખ્યા કરી હતી.

આ ચુકાદામાં સ્પષ્ટતા કરાયેલી કે, નોકરીદાતા અને કર્મચારીનો સંબંધ છે અને જ્યાં કોઈ પણ પ્રકારની સેવા કે કામગીરી થાય છે તેને ઉદ્યોગ કહેવાય. આ ચુકાદા પહેલાં સુધી ઉત્પાદન કરાતું હોય એવાં તમામ સ્થળોને જ ઉદ્યોગ ગણવામાં આવતા હતા. મતલબ કે, ફેક્ટરીઓને જ ઉદ્યોગ ગણવામાં આવતા હતા પણ નવી આ વ્યાખ્યાને કારણે સરકારી વિભાગો, હોસ્પિટલો, શાળાઓ, બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) પણ ઉદ્યોગ ગણાવા લાગી. ઉદ્યોગોને લાગુ પડતા મજૂર કાયદા તમામને લાગુ પડવા માંડયા. હવે સુપ્રીમ કોર્ટ આ વ્યાખ્યા સાચી છે કે નહીં તેનો નિર્ણય લેશે. તેના કારણે કરોડો કર્મચારીઓના અધિકારો અંગે સ્પષ્ટતા થશે. કર્મચારીઓના છટણી, પગાર, યુનિયન સહિતના અધિકારોને પણ નવી વ્યાખ્યાથી અસર થશે તેથી આ સુનાવણી કરોડો લોકોને અસર કરનારી છે.

અત્યારે આર્મી, પોલીસ વગેરેને ઉદ્યોગ ગણવામાં નથી આવતા તેથી તેમને પોતાના અધિકારો માટે લડવા યુનિયન બનાવવાની છૂટ નથી પણ નવી વ્યાખ્યામાં તેમને ઉદ્યોગ ગણી લેવાય તો પછી આર્મી અને પોલીસનાં યુનિયનો બનાવી શકેકે નહીં એ મુદ્દો ચર્ચામાં આવી જશે. અત્યારે પોલીસ કે આર્મી યુનિયન ન બનાવી શકે એ માટેની અલગ જોગવાઈઓ અસ્તિત્વમાં છે જ પણ નવી વ્યાખ્યાના કારણે વિરોધાભાસ થાય તો ઘર્ષણ વધી શકે. સુપ્રીમ કોર્ટે ’ઉદ્યોગ’ની વ્યાખ્યા કરવા સુનાવણી શરૂૂ કરી એ સારી વાત છે પણ આ સુનાવણી ભારતમાં ન્યાયતંત્ર રગશિયા ગાડા કરતાં પણ ધીમી ગતિએ ચાલે છે તેનો પુરાવો છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટનું કામ પણ બિલકુલ સરકારી ધોરણે ચાલે છે ને લોકહિતને ધ્યાનમાં જ નથી રખાતું તેનો પુરાવો પણ છે.

એ સિવાય આટલાં વરસો લગી આ કેસ ટલ્લે ચડેલો રહે ખરો ? સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વીઆર કૃષ્ણ અય્યરે 1978માં ’ઉદ્યોગ’ની વ્યાખ્યા કરી તેનાં તેનાં 24 વર્ષ પછી 2002માં આ ચુકાદાને પડકારવામાં આવ્યો હતો અને છેક હવે તેની સુનાવણી શરૂૂ થઈ રહી છે. મતલબ કે, એક ચુકાદાને પડકારાયો એકેસની સુનાવણી શરૂૂ કરવામાં જ 24 વર્ષ લાગી ગયાં. ઉત્તર પ્રદેશની સરકારે આ વ્યાખ્યાને આધારે લીધેલા નિર્ણયને જયબીર સિંહે પડકારેલો તેથી સ્ટેટ ઓફ યુપી વર્સીસ જયબીર સિંહ તરીકે આ કેસ જાણીતો બન્યો. આ કેસમાં મૂળ ચુકાદા પર પુનર્વિચારણા કરવાની માંગ કરવામાં આવી હતી કારણ અરજદારને લાગતું હતું કે, 1978નો ચુકાદો અત્યંત કામદારલક્ષી છે અને તેમાં કામદારોનાં હિતોની જ વાત છે. આ મુદ્દો અત્યંત મોટો છે એવું સુપ્રીમ કોર્ટે પોતે જ સ્વીકાર્યું છે.

એ સિવાય તો નવ જજની બંધારણીય બેંચ શું કરવા સુનાવણી કરે? એ છતાં આટલાં બધાં વરસો સુધી આ વાત પર જ ધ્યાન ના અપાયું તેના કારણે કરોડો લોકોને અસર થઈ છે કેમ કે ’ઉદ્યોગ’ની વ્યાખ્યા સરકારી નોકરિયાતથી માંડીને સામાન્ય કામદાર સુધીનાં બધાંને લાગુ પડે છે. વરસોથી ચાલી આવતી આ ‘ઉદ્યોગ’ની વ્યાખ્યાના કારણે કોને નુકસાન થયું ને કોને ફાયદો થયો તેની ખબર તો નવી વ્યાખ્યા આવે ત્યારે પડે પણ કરોડોને અસર થઈ તેમાં શંકા નથી. સુપ્રીમ કોર્ટ ’ઉદ્યોગ’ની નવી વ્યાખ્યા ક્યારે કરશે એ ખબર નથી. ન્યાયતંત્રની કામ કરવાની ઝડપ જોતાં એક-બે વર્ષ બીજાં નિકળી જાય તો પણ નવાઈ નહીં. જેટલો કેસ લંબાશે એટલી અસરકર્તાઓની સંખ્યા પણ વધશે એ જોતાં આશા રાખીએ કે ઝડપથી ચુકાદો આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *