ઇંગ્લેન્ડ સામે શાનદાર જીતનો શ્રેય ગીલ, અય્યર અને અક્ષરને

શુભમને 87, શ્રેયસે 59 અને અક્ષરે 52 રનની ઇનિંગ રમી, જાડેજા-રાણાએ 3-3 વિકેટ ઝડપી ટીમ ઈન્ડિયાએ નાગપુર વનડે મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવીને શાનદાર જીત…

શુભમને 87, શ્રેયસે 59 અને અક્ષરે 52 રનની ઇનિંગ રમી, જાડેજા-રાણાએ 3-3 વિકેટ ઝડપી

ટીમ ઈન્ડિયાએ નાગપુર વનડે મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવીને શાનદાર જીત મેળવી છે. આ જીતમાં ભારતના ત્રણ ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે ટીમે શ્રેણીની શરૂૂઆત જીત સાથે કરી શકી. શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ એ ત્રણ ખેલાડીઓ હતા જેમણે અડધી સદી ફટકારીને ભારતની જીત સુનિશ્ચિત કરી.

રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે હર્ષિત રાણાએ પણ 3 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી. ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગનું પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડના બેટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરાવ્યો હતો. આ જ કારણે ભારત મેચમાં મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું.

જ્યારે ભારતીય ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરી, ત્યારે શરૂૂઆતમાં 19 રનમાં 2 વિકેટ ગુમાવીને થોડી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે પરિસ્થિતિને સંભાળી લીધી હતી.

શુભમન ગિલે આક્રમક બેટિંગ કરતા 87 રન બનાવ્યા હતા, જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે. શ્રેયસ અય્યરે પણ 59 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. અને અક્ષર પટેલે 52 રન બનાવીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ત્રણેય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને ભારતને જીતના લક્ષ્ય સુધી પહોંચાડ્યું હતું.

ભારતની જીતનું ત્રીજું મોટું કારણ ત્રીજી વિકેટ માટે શુભમન ગિલ અને શ્રેયસ અય્યર વચ્ચે થયેલી ભાગીદારી હતી. જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે આ બંને બેટ્સમેનોએ મળીને રન બનાવ્યા અને ટીમ પરથી દબાણ દૂર કર્યું. તેમની ભાગીદારીના કારણે જ ભારત માટે જીતનો માર્ગ સરળ બન્યો હતો.

શુભમન ગિલ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખાસ રહ્યો ન હતો, પરંતુ તેણે ઘરેલુ ક્રિકેટમાં જોરદાર વાપસી કરી હતી. તેણે કર્ણાટક સામેની મેચમાં સદી ફટકારી હતી અને ફોર્મમાં હોવાનો સંકેત આપ્યો હતો. ઇંગ્લેન્ડ સામેની આ મેચમાં તેણે ફરીથી પોતાની બેટિંગ ક્ષમતાનો પરિચય કરાવ્યો અને સાબિત કર્યું કે તે લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ ખેલાડી બની શકે છે.

આમ, બોલરોનું શાનદાર પ્રદર્શન, ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેનોની અડધી સદી અને ત્રીજી વિકેટ માટે થયેલી મહત્વપૂર્ણ ભાગીદારી ભારતીય ટીમની જીતના મુખ્ય કારણો રહ્યા હતા.

ભારત-ઇંગ્લેન્ડ વન-ડેમાં સૌથી વધુ વિકેટ લેવામાં જાડેજા નંબર-1
ઇંગ્લેન્ડ સામે ત્રણ વિકેટ લીધા બાદ રવિન્દ્ર જાડેજા ભારત-ઇંગ્લેન્ડ વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. તેણે જેમ્સ એન્ડરસનને પાછળ છોડી દીધો છે, જેમણે કુલ 40 વિકેટ લીધી હતી. જાડેજાએ હવે ભારત-ઇંગ્લેન્ડ વનડે મેચોમાં 41 વિકેટ લીધી છે. એટલું જ નહીં, જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 600 વિકેટ પણ પૂર્ણ કરી. જાડેજાએ ટેસ્ટમાં 323, વનડેમાં 224 અને ટી20માં 54 વિકેટ લીધી છે. જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6000 રન અને 600 વિકેટ લેનાર બીજો ભારતીય ખેલાડી છે. તેમના પહેલા કપિલ દેવ આ કારનામું કરી ચૂક્યા છે. જાડેજા ભારતનો પાંચમો ખેલાડી છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 થી વધુ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ (953) અનિલ કુંબલેના નામે છે. અશ્વિને 765 વિકેટ લીધી છે અને હરભજને 707 વિકેટ લીધી છે. કપિલ દેવે 687 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. જાડેજાએ ઈંગ્લેન્ડ સામે નાગપુર વનડેમાં જો રૂૂટને આઉટ કરીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12મી વખત રૂૂટને પોતાનો શિકાર બનાવ્યો. મોટી વાત એ છે કે તેણે સ્ટીવ સ્મિથને પણ 11 વાર આઉટ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *