મહાનગરપાલિકાએ બિલ્ડિંગને ‘ખૂબ જ જોખમી’ જાહેર કરી તાત્કાલિક ખાલી કરવા નોટિસ આપી, 21 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે
રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા શહેરની 90 વર્ષથી પણ વધારે જૂની તેમજ ઐતિહાસિક ઓળખ સમાન લાખાજીરાજ શાકમાર્કેટના કાનુની વિવાદમાં કોર્ટે મનાઈ હુકમ આપ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ માર્કેટને ભયગ્રસ્ત જાહેર કરીને અહીં વર્ષોથી વેપાર કરતા 96 જેટલા થડાધારકો, દુકાનદારો અને વખાર માલિકોને આ જગ્યા તાત્કાલિક ખાલી કરવા માટેની અંતિમ નોટિસ પાઠવતા વેપારીઓએ અદાલતનો સહારો લીધો હતો. જેમાં કોર્ટે સ્ટે આપી મનપા તંત્રને 21 ઓગષ્ટે જવાબ રજૂ કરવા જણાવેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ, લાખાજીરાજ માર્કેટ માત્ર સામાન્ય શાકભાજી બજાર નથી, પરંતુ રાજકોટની ઐતિહાસિક ધરોહર અને જૂની પેઢી માટે એક અમૂલ્ય સંભારણું છે. ઇ.સ. 1934માં રાજવી લાખાજીરાજ દ્વારા બનેલી આ ઇમારત તેની અનોખી સ્થાપત્યકળા અને વારસા માટે જાણીતી છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ પણ આ માર્કેટની મુલાકાત લે છે અને તેના જૂના માળખાના ફોટા પાડે છે. આ માર્કેટનાં 96 થડામાં વેપારીઓની પેઢીઓ જોડાયેલી છે, જે વર્ષોથી અહીંથી વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ મનપાના તાજેતરના આ માર્કેટ ખાલી કરવાના નિર્ણયને લઈ વેપારીઓમાં રોષ જોવાઇ રહ્યો છે. મનપાની બાંધકામ શાખા દ્વારા નિયુક્ત થયેલા સ્ટ્રક્ચરલ એન્જિનિયરના રિપોર્ટના આધારે આ ઇમારતને વેરી વલ્નરેબલ (ખૂબ જ જોખમી) જાહેર કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ઇમારત હાલ જર્જરિત હાલતમાં છે અને કુદરતી આફત જેવી કે વાવાઝોડું, ભારે વરસાદ કે ભૂકંપ જેવી પરિસ્થિતિનો સામનો કરી શકે તેમ નથી.
અને આ માર્કેટ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલી હોવાથી કોઈ પણ સમયે ઇમારતનો ભાગ તૂટી પડતાં જાનમાલને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેના કારણે મનપાએ તાત્કાલિક ખાલી કરાવવા નોટિસ પાઠવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો કોઈ દુર્ઘટના થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી કબજેદારોની રહેશે.
મનપાનાં એસ્ટેટ વિભાગના અધિકારી મેહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, બાંધકામ વિભાગ દ્વારા લાખાજીરાજ માર્કેટને જોખમી ગણાવી ખાલી કરાવવા અભિપ્રાય આપવામાં આવ્યો છે. જે અંતર્ગત એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી હતી. જોકે વેપારીઓ દ્વારા કોર્ટનો સ્ટે મેળવવામાં આવ્યો છે. જેને કારણે નોટિસની મુદ્દત પુરી થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ શકી નથી. નામદાર અદાલત દ્વારા હાલ આ મુદ્દે અમારો જવાબ માંગવામાં આવ્યો છે. આ માટે 21 ઓગષ્ટની તારીખ પણ આપવામાં આવી છે. ત્યારે આગામી 21 ઓગષ્ટે અમે કોર્ટમાં જવાબ રજૂ કરીશું અને ત્યારબાદ અદાલતનાં હુકમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વાટા ખુલી ગયા હોવાથી માત્ર પ્લાસ્ટર કરવાની જરૂર
લાખાજીરાજ માર્કેટના વેપારી પ્રેમજીભાઈ સાકરીયાએ છે વેપારીઓ જણાવ્યું હતું કે, આ માર્કેટ 1934માં બની હતી અને 52 વર્ષથી તેઓ અહીં વેપાર કરી રહ્યા છે. માર્કેટ જર્જરિત નથી, પરંતુ અમુક જગ્યાએ વાટા ખુલી ગયા હોવાથી માત્ર પ્લાસ્ટર કરવાની જરૂૂર છે. ઉપરના ભાગે પ્લાસ્ટર કરાવવાની જરૂૂરિયાત છે, કોઈ દીવાલ પડવાની શક્યતા નથી. જુના બેલાના ચણતરમાં ચૂનાનો ઉપયોગ થયો છે, કારણ કે તે સમયે સિમેન્ટ ઉપલબ્ધ ન હતો. આટલા વર્ષો બાદ વાટા ખૂલી જવાની શક્યતા રહે છે. આ માર્કેટ રીનોવેશનને લાયક છે. ત્યારે વેપારીઓનાં ધંધા-રોજગાર ચાલુ રહે તેવી રીતે રીનોવેશન કરવું જોઈએ.
અગાઉ મનપા દ્વારા રીપેરિંગની ખાતરીનું સુરસુરીયું
જોકે, આ કોઈ પહેલીવાર નથી કે આ માર્કેટને ખાલી કરાવવા માટે નોટિસ અપાઈ હોય. આશરે એક વર્ષ પહેલાં પણ એટલે કે જુલાઈ 2024માં પણ મનપાએ આવી નોટિસ આપી હતી, ત્યારે વેપારીઓએ ધારાસભ્ય ઉદય કાનગડના નેતૃત્વમાં મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સમક્ષ રજૂઆત કરી હતી. તે સમયે વેપારીઓની મુખ્ય રજૂઆત હતી કે, આ માર્કેટ હેરિટેજની વ્યાખ્યામાં આવે છે અને તેને તોડી ન શકાય, માત્ર તેનું રિપેરિંગ જ થઈ શકે. વેપારીઓએ રિપેરિંગની કામગીરીમાં સહકાર આપવાની ખાતરી પણ આપી હતી. ત્યારે મનપાએ હકારાત્મક વલણ અપનાવી રિપેરિંગ કામ શરૂૂ કરવાની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે રિપેરિંગનો તમામ ખર્ચ મનપા ઉઠાવશે અને કામ પૂર્ણ થયા બાદ મૂળ માલિકોને તેમની જગ્યા પરત સોંપવામાં આવશે. મનપા દ્વારા હવે એક વર્ષ બાદ ફરીથી ખાલી કરવાની નોટિસ આપવામાં આવતાં વેપારીઓ આશ્ચર્યમાં છે અને રોષે ભરાયા છે. વેપારીઓનો આરોપ છે કે મનપા તંત્રએ એક વર્ષ પહેલાં આપેલી ખાતરીનો ભંગ કર્યો છે. તેમજ અચાનક ચોમાસાની સિઝનમાં માર્કેટ ખાલી કરાવવાની નોટિસ આપી છે. આટલા ટૂંકા સમયમાં અને વરસાદની સિઝનમાં જગ્યા ખાલી કરવી શક્ય જ નથી.
