રાજકોટ શહેરમાં મિત્રની 16 વર્ષની પુત્રીને સ્કૂટર અને મોબાઈલ દેવાના બહાને ઘરે બોલાવી હવસખોરે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને ભોગ બનનાર સગીરાને રૂૂપિયા પાંચ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાના પિતાના મિત્ર આરોપી રફિકભાઈ સૈયદભાઈ બિનબકર (રહે ભારતીનગર ગાંધીગ્રામ રાજકોટ)એ સગીરાને તેનું એકટીવા મોટરસાયકલ તથા મોબાઈલ આપી જવાના બહાને ઘરે બોલાવી અને સગીરા ઉપર બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી રફિક બિનબકરની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
ચાર્જશીટ થયા બાદ કેસમાં પુરાવો શરૂૂ થતા પ્રોસિક્યુશન તરફે ફરિયાદી સગીરાની સોગંદ ઉપર પોક્સો કોર્ટમાં જુબાની લેવામાં આવતા સગીરાએ જણાવ્યું હતું કે, આરોપીએ તેણીને એકટીવા મોટરસાયકલ અને મોબાઈલ દેવા માટે તેના ઘરે બોલાવી હતી. તેણી તેના ઘરે ગયેલ ત્યારે આરોપીએ બારણું બંધ કરી તેણીની સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધ્યો હતો. સગીરાએ રાડારાડી કરતા તેના મોઢે ચુંદડીનો ડુમો આપી દીધો હોવાની આપવીતી વર્ણવી આરોપીને કોર્ટમાં ઓળખી બતાવ્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા પ્રોસિક્યુશન દ્વારા કેસમાં ભોગ બનનાર સગીરાના પિતા, ડોક્ટર અને આરોપીના ડોક્ટરની જુબાની લેવામાં આવી હતી.
તેમજ સરકાર તરફે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આરોપી 35 વર્ષની ઉંમરનો છે અને પરિણીત છે જ્યારે સગીરા 16 વર્ષની ઉંમરની છે અને તેની પુત્રી સમાન સગીરા ઉપર બળજબરીથી આરોપીએ દુષ્કર્મ આચરેલ છે જે બાબતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી પણ જે અહેવાલ આવેલ છે તેમાં પણ પુરવાર થાય છે અને સગીરાના પ્રાઇવેટ પાર્ટ્સમાં પણ આરોપીના સિમેન વિગેરેના ચિન્હો જણાઈ આવે છે.
તથા બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલ ચુંદડીમાં પણ સગીરાની લાળ આવેલ હોવાનો એફએસએલમાં રિપોર્ટમાં આવેલ છે આમ સરકાર તરફે સરકારી વકીલે ફરિયાદી, સાહેદો, પંચો, ડોક્ટર અને પોલીસની જુબાનીથી તેમજ દસ્તાવેજી પુરાવા લીસ્ટથી તથા દલીલમાં જણાવેલ કેસની હકીકતથી પ્રોસિક્યુશનનો કેસ સાબિત કરેલ હોય અને આરોપીને કાયદામાં જણાવ્યા મુજબની વધુમાં વધુ સજા કરવા કોર્ટને રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઈ પોક્સો અદાલતના સેશન્સ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટે આરોપી રફિક સૈયદભાઈ બિનબકરને આજીવન કેદની સજા અને સગીરાને રૂૂપિયા પાંચ લાખનું વળતર વિકટીમ કમ્પેન્સેશન એક્ટ અન્વયે આપવા હુકમ ફરમાવ્યો છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા
