રાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી અદાલત

રાજકોટમાં આવેલા નવલનગરમાં આઠ વર્ષ પહેલા રિસામણે બેઠેલી પત્નીને પરાણે તેડી જવા મુદ્દે પતિએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલા સાસુને…

રાજકોટમાં આવેલા નવલનગરમાં આઠ વર્ષ પહેલા રિસામણે બેઠેલી પત્નીને પરાણે તેડી જવા મુદ્દે પતિએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલા સાસુને પણ છરીના ઘા ઝીંકી દીધી હતાં. જેમાં ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું મોત નિપજ્યું હતું. પત્નીની હત્યા અને સાસુ ઉપર ખૂની હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને અદાલતે આજીવન કેદની સજા અને રૂા.15000 દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા પ્રકાશભાઈ દિપકભાઈ પરમાર દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી અને મારકુટ કરતો હોવાથી પત્ની નમ્રતાબેન પરમાર નવલનગરમાં રહેતી તેની માતા મિનાબેન પાસે રિસામણે ચાલી ગઈ હતી. રિસામણે બેઠેલી પત્નીને પ્રકાશ પરમાર તા.23-6-2018નાં રોજ તેડવા માટે ગયો હતો. પરંતુ નમ્રતાબેને સાથે જવાની ના પાડતાં પ્રકાશ પરમારે ઉશ્કેરાઈ જઈ છરી વડે હુમલો કરી નમ્રતાબેનને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં.

પુત્રીને બચાવવા વચ્ચે પડેલી માતા મીનાબેન ઉપર પણ પ્રકાશ પરમારે છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી નમ્રતાબેન પરમારનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે પ્રકાશ પરમાર વિરૂધ્ધ પત્નીની હત્યા અને સાસુ ઉપર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પ્રકાશ પરમારની ધરપકડ કરી જેલવાલે કર્યો હતો. જે કેસ ચાર્જશીટ બાદ રાજકોટ કોર્ટમાં ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ અધિક સેશન્સ જજ એ.કે.શાહે પત્નીની હત્યા અને સાસુ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં આરોપી પ્રકાશ પરમારને આજીવન કેદની સજા અને રૂા.15 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *