છરી-તલવાર વડે થયેલા હુમલામાં પાંચને ઈજા; હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ફરિયાદ
પોરબંદરમાં તાજીયામાં ધમાલ લેતાં આઠ શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી ન્યાઝના સંચાલકો ઉપર છરી, તલવાર વડે હુમલો કરી ધમાલ મચાવી હતી. જેમાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. હુમલાખોર શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશીશની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પોરબંદરમાં લતીબજાર મછી માર્કેટ પાસે રહેતા નઝીરભાઈ મુસાભાઈ રાવકુડા (ઉ.40), હુસેનભાઈ મુસાભાઈ રાવકુડા (ઉ.38), રફીકભાઈ, હુસેનભાઈ, સાહીલ, સિરાજ સલીમ, સમીર યુસુફ, સંધી જમાત ખાના પાસે હતાં ત્યારે અજીમ યુનુસ કાદરી, યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, સકીલ યુનુસ કાદરી, ઈમ્તીયાઝ સિપાઈ, એઝાઝ નાલબંધ, ફારૂક મુરૂ અને યુસુફ ફારૂક મુરુ નામના શખ્સોએ તલવાર અને છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નઝીરભાઈ રાવકુડા અને હુસેનભાઈ રાવકુડાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત લોકો ગઈકાલે તાજીયા હોવાથી નિયાઝનો સ્ટોલ ઉભો કર્યો હતો. તે દરમિયાન હુમલાખોર શખ્સો ધમાલ લેતાં લેતાં સ્ટોલ પાસે આવી પહોંચ્યા હતાં અને જુની અદાવતનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે પોરબંદર પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
