જસદણ પંથકમાં 13 વર્ષની બાળાની છેડતી કરનાર ઢગાને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

જસદણ પંથકમાં બે વર્ષ પૂર્વે માલ ઢોર ચરાવી પરત ફરતી 13 વર્ષની બાળાને આંતરી હવસ ભુખ્યા શખ્સે છેડતી કરી હતી. જે અંગે નોંધાયેલી ફરિયાદનાં આધારે…

જસદણ પંથકમાં બે વર્ષ પૂર્વે માલ ઢોર ચરાવી પરત ફરતી 13 વર્ષની બાળાને આંતરી હવસ ભુખ્યા શખ્સે છેડતી કરી હતી. જે અંગે નોંધાયેલી ફરિયાદનાં આધારે ઝડપાયેલા આરોપીની રાજકોટની અદાલતે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂા.10000નો દંડ તેમજ ભોગ બનનાર બાળકીને 50 હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ, જસદણ પંથકમાં રહેતી 13 વર્ષની સગીરા બે વર્ષ પૂર્વે પોતાના ગામની સીમમાંથી માલ ઢોર ચરાવી સાંજના સમયે વાડીએ પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં ખેતી કામ કરતાં રમેશ રણછોડ જાડા નામના શખ્સે સગીરાને આંતરી શારીરિક છેડછાડ કરી અડપલા કર્યા હતાં. બાળકી રડવા લાગતાં ઢગાએ બાળકીને છોડી મુકી હતી અને આ વાતની જાણ કોઈને ન કરવા સુરાપુરા દાદાની કસમ આપી હતી. ભોગ બનનાર બાળકીએ પોતાની માતાને આપવતી વર્ણવતાં પરિવાર દ્વારા ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ રાજકોટ પોકસો કોર્ટના જજ ટી.એસ.બ્રહ્મભટ્ટે આરોપી રમેશ જાડાને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂા.10 હજારનો દંડ તેમજ ભોગ બનનાર બાળકીને વળતર સ્કીમમાંથી રૂા.50 હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મદદનિશ સરકારી વકીલ આબીદ સોસન રોકાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *