જામનગરમાં PM મોદીના આગમન પૂર્વે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા

જામનગરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી અગિયારમી તારીખે રવિવારના રોજ આગમન કરી રહ્યા હોવાથી તેમના રાત્રિ રોકાણ સહિતના સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને…

જામનગરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી અગિયારમી તારીખે રવિવારના રોજ આગમન કરી રહ્યા હોવાથી તેમના રાત્રિ રોકાણ સહિતના સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે આજે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિરલિપ્ત રાય જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે જામનગર શહેર તથા આસપાસના વિવિધ મહત્વપૂર્ણ વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. વડા પ્રધાનના રાત્રિ રોકાણ સ્થળ તેમજ અન્ય કાર્યક્રમ સ્થળોએ પોલીસ બંદોબસ્ત, વાહન વ્યવસ્થા, પ્રવેશ-નિયંત્રણ, સુરક્ષા ચકાસણી અને વિવિધ દળોની તૈનાતી અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ સમીક્ષા દરમિયાન જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની, શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા, સ્થાનિક ગુન્હા શાખાના પોલીસ નિરીક્ષક પી.બી. ચૌધરી સહિત શહેરના ત્રણેય ડિવિઝનના અન્ય પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાં બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરી સુરક્ષાને લગતી તમામ વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કર્યું હતું. વડા પ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન સાધી સુરક્ષાની તમામ તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

અધિકારીઓ દ્વારા નિરિક્ષણ
જામનગરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી દસમી અને અગિયારમી મેના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા અને વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે આજે લાલ બંગલા સર્કલ તથા સર્કિટ હાઉસ વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંયુક્ત નિરીક્ષણ હાથ ધરાયું હતું.

આ નિરીક્ષણ દરમિયાન મુખ્ય માર્ગો, સંભવિત કાર્યક્રમ સ્થળો, વાહન વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત તથા વી.આઈ.પી. અવરજવર અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. શહેર પોલીસ, વાહન વ્યવહાર શાખા તથા અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખીને વિવિધ વ્યવસ્થાઓ વધુ સઘન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કાર્યક્રમની તૈયારીઓ અને રૂટ નિરીક્ષણ દરમિયાન જામનગરના જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા, જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ, મહાનગર પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર મહાનગરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી સર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા યોગેશભાઈ દવે ભાવેશભાઈ ઠુંમર જામનગર મહાનગરપાલિકાના આશિક કમિશનર ભાવેશચાની મુકેશભાઈ તેમજ અન્ય અગ્રણીઓ તથા પક્ષના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનના સંભવિત આગમનને પગલે સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ તેજ બની છે અને તંત્ર દ્વારા દરેક વ્યવસ્થાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.

વિવિધ સમિતિઓની રચના, પુનમબેનની હાજરીમાં બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી તા.10 તથા 11 મે ના રોજની જામનગર મુલાકાતને લઈ વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મુલાકાતના સુચારુ આયોજનના ભાગરૂપે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ વડાપ્રધાનના કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓ અને આયોજનની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી.

આ બેઠકમાં પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક કલેક્ટર એસ.એમ. કાથડ, તેમજ અગ્રણી સર્વ બીનાબેન કોઠારી, ડો. વિનુભાઈ ભંડેરી સહિતના મહાનુભાવો અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *