રાજકોટ રહેતા ભાગીદારને પૈસાની લેતી દેતિમાં ધમકી આપ્યાના કેસમાં સુરતના પિતા-પુત્રના અદાલતની પુર્વ પરવાનગી વગર ગુજરાત નહીં છોડવાની શરતે કોર્ટે જામીન મંજુર કર્યા હતા. જે જામીનમાં શરતભંગ થયેલ છે કે કેમ તેની ખરાઈ માટે અસલ પાસપોર્ટ કોર્ટમાં રજુ કરવા પિતા-પુત્રને આદેશ કરી કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે.
આ કેસની હકીકત મુજબ સુરતના શૈલેષ મણીલાલ કોટેચા અને તેના પુત્ર હર્ષિત શૈલેષ કોટેચા રાજકોટના જલ્પેશભાઈ રાજદેવ સાથે સુરત ખાતે ભાગીદારીમાં ધંધો કરતાં હતા.ભાગીદારીના નાણાંની ઉઘરાણી મુદ્દે પિતા-પુત્રએ જુદા જુદા મોબાઈલ નંબર ઉપરથી ફોન કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જલ્પેશભાઈ રાજદેવના પત્ની જલ્પાબેન રાજદેવે ભકિતનગર પોલીસ મથકમાં વર્ષ 2015માં ફરીયાદ નોંધાવી હતી. જે કેસમાં આરોપી પિતા-પુત્રને કોર્ટની પુર્વ પરવાનગી વગર ગુજરાત રાજયની હદ નહી છોડવાની શરતોને આધીન નીચેની અદાલતે જામીન મુકત કર્યા હતા.
ત્યાર બાદ કેસમાં આરોપીઓ વિરુદ્ધ પુરતા પુરાવા મળતા પોલીસ દ્રારા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. જે કેસમાં આરોપીઓ કોર્ટમાં હાજર રહેતા ન હોવાથી વોરંટ નીકળ્યું હતું. આરોપીઓએ જામીન મુકિતની શરતોનો ભંગ કરી અદાલતની પુર્વ પરવાનગી વિના વિદેશમાં ગયા હોવાની માહિતી મળતા ફરીયાદી દ્વારા આરોપીઓ તેમના પાસપોર્ટ કોર્ટમાં રજુ કરે તેવી અરજી કરવામાં આવી હતી. જે અરજી રાજકોટની ફોજદારી અદાલતે મંજુર કરી આરોપીઓને તેના અસલ પાસપોર્ટ અને તેની એક ઝેરોક્ષ નકલ સાથે ફોજદારી અદાલત સમક્ષ હાજર રહેવા હુકમ ફરમાવવામાં આવ્યો હતો.
જે હુકમનું પાલન કરવાના બદલે આરોપીઓએ રાજકોટની સેશન્સ અદાલત સમક્ષ રીવીઝન દાખલ કરી હતી. જે રીવીઝન અરજી સેશન્સ અદાલતે રદ કરી હતી. રીવીઝન અરજી પણ રદ થતાં આરોપીઓ નીચેની અદાલત સમક્ષ હાજર નહી રહેતાં જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ અને સિનિયર સિવિલ જજ એમ.એમ. શુકલે બંને આરોપીઓ સામે ધરપકડના વોરંટ ઇસ્યુ કર્યું છે.
આ કેસમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ. પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયા હતા.
