પાડોશી પરિવાર ઉપર હુમલો કરવાના કેસમા માતા-પુત્રીના આગોતરા મંજૂર કરતી અદાલત

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ ગોકુલનગરમાં પાડોશી પરિવાર ઉપર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલી માતા-પુત્રીની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી…

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ ગોકુલનગરમાં પાડોશી પરિવાર ઉપર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલી માતા-પુત્રીની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ કોઠારીયા રોડ પર આવેલ ગોકુલનગરમાં રહેતા ફરીયાદી હનીફભાઇ ગુલમામદભાઈ સવાણ ગત તા.14 જુનના રોજ સવારે પોતાનું સ્કૂટર બહાર કાઢતા હતા ત્યારે પાડોશમાં રહેતા હમીદાબેન અનવરભાઇ હેરંફજાએ તેમણે કહેલ કે, આજે તો તમારો ફેસલો કરી નાખવો છે રોજ ઊઠીને માથાકુટ નહીં તેમ કહી ઝઘડો કર્યો હતો. દેકારો થતાં હમીદાબેન હેરંજાના પતિ અનવરભાઇ રમઝાનભાઈ હેરંજા, પુત્ર એજાજ અનવરભાઇ હેરંજા અને પુત્રી પરવીનબેન અનવરભાઇ હેરંજા દોડી આવ્યા હતા અને હનીફભાઇ સવાણ અને તેના પરિવાર ઉપર મરચાની ભૂકી ઉડાડી છરી, પાઇપ અને છુટા પથ્થર વડે માર મારી હુમલો કર્યો હતો. જેમાં હનીફભાઇ સવાણ, તેના ભાઈ ઇમરાનભાઇ અને માતાને ઇજા પહોંચી હતી.

આ અંગે ફરીયાદી હનીફભાઇ સવાણે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પાડોશી એજાજ અનવરભાઇ હેરંજા, અનવરભાઇ રમઝાનભાઈ હેરંજા, હમીદાબેન અનવરભાઇ હેરંજા અને પરવીનબેન અનવરભાઇ હેરંજા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જે ગુનામાં સંડોવાયેલી માતા-પુત્રી હમીદાબેન હેરંજા અને પરવીનબેન હેરંજાએ પોલીસ ધરપકડની દહેશતે પોતાના વકીલ મારફત કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

જે આગોતરા જામીન અરજી ચાલી જતાં બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ રાજકોટના એડી. સેશન્સ જજ દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં માતા-પુત્રી વતી રાજકોટના વકિલ અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ અને રહિમભાઈ હેરંજા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *