અગ્નિકાંડના આરોપી જમીન માલીક બે ભાઇઓને ભત્રીજાના લગ્ન માટે 48 ક્લાકના જામીન આપતી કોર્ટ

ગેમ ઝોનના અગ્નિ કાંડ દુર્ઘટના પ્રકરણમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદાર જમીન હેતુફેર ભાડે આપનારા અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાએ કૌટુંબિક ભત્રીજાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા…


ગેમ ઝોનના અગ્નિ કાંડ દુર્ઘટના પ્રકરણમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદાર જમીન હેતુફેર ભાડે આપનારા અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાએ કૌટુંબિક ભત્રીજાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા કરેલી 15 દિવસના વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી. કોર્ટ દ્વારા બંને ભાઈઓને સ્વખર્ચે પોલીસ જાપતા સાથે 48 કલાક માટે ભત્રીજાના લગ્નમાં જવાની મંજૂરી આપવામાં આવી છે.


આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા. ના આગ ભભૂકી ઉઠી હતી. જે અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા. જે અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસમાં અગાઉ 15 આરોપીઓ સામેના કેસમાં પ્રોસિક્યુશન તરફથી ચાર્જશીટ, તેમજ ચાર્જ ફેમ અને 5000 પેજનો કુલ-467 દસ્તાવેજી પુરાવાઓ આરોપીઓના બચાવની તક માટે ખુલ્લા મૂકી દેવાયા બાદ પણ આરોપીઓ તરફથી વકીલ રાખવામાં નહીં આવતા કેસ વિલંબમાં મુકાયો છે.

ત્યારે આ કેસના બે આરોપીઓ ખેડૂત જમીન માલિક ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની અગાઉ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અરજી નામંજુર થયા બાદ બને ભાઈઓએ હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે. જે જામીન અરજી હાઇકોર્ટમાં ચાલવા ઉપર આવે તે પૂર્વે જ ખેડૂત જમીન માલિક ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ કૌટુંબિક ભત્રીજા પુષ્પરાજસિંહ જાડેજાના લગ્ન હોવાથી લગ્ન પ્રસંગમાં હાજરી આપવાનું કારણ દર્શાવી બંને ભાઈઓએ રાજકોટ સેશન્સ કોર્ટમાં 15 દિવસના વચગાળાના જમીન મેળવવા કૌટુંબિક ભત્રીજાના લગ્નની કંકોત્રી રજૂ કરી જામીન અરજી કરી હતી.

જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ કોર્ટ દ્વારા બંને ભાઈઓને સ્વખર્ચે પોલીસ જાપતા સાથે 48 કલાક માટે ભત્રીજાના લગ્નમાં જવાની મંજૂરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *