અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલક સામે ફરિયાદ, મહિલાની હાલત ગંભીર
અમદાવાદના દંપતીને કબરાઉ મોગલધામથી પરત ફરતી વખતે પાટડીના માલવણ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. મોટી મજેઠી ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું ઘટનાસ્થળે મોત થયું હતું. મૂળ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જોયદ ગામના અને હાલ અમદાવાદના જગતપુર રોડ પર રહેતા તેજશભાઈ મનીષકુમાર આચાર્ય તેમની પત્ની હનીબેન સાથે ટાટા અલ્ટ્રોઝ કાર (નંબર GJ-09-BJ-2056) માં કબરાઉ મોગલધામના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
માલવણ ટોલ નાકાથી અમદાવાદ તરફ મોટી મજેઠી ગામ પાસે આવેલી રાધે હોટલ પાસેથી પસાર થતી વખતે તેમની કાર આગળ ચાલી રહેલા નંબર વગરના ડમ્પર ચાલકે કોઈ પણ સાઈડ લાઈટ બતાવ્યા વગર અચાનક ડમ્પર ધીમું પાડી જમણી તરફ વાળ્યું હતું. આથી તેજશભાઈની કાર ડમ્પરની પાછળ ડાબી સાઈડથી ઘૂસી ગઈ હતી.
આ ગંભીર અકસ્માતમાં દંપતીને ભારે ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક બંનેને કારમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમે તપાસ કરતા હનીબેનની નજર સામે જ તેમના પતિ તેજશભાઈ મનીષકુમાર આચાર્યનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે હનીબેનને બંને પગે અને સાથળના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં ઈંઈઞ વોર્ડમાં દાખલ કરીને સારવાર શરૂૂ કરવામાં આવી છે. આ બનાવ અંગે હનીબેને નંબર વગરના ડમ્પરના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાવ્યો છે. બજાણા પોલીસ મથકના જે.એમ. વઢેર આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
