ખંભાળિયાના ધરમપુરમાં કાળો કલ્પાંત: પતિ-પત્નીના મૃતદેહ પાવડાથી ભેગા કરાયા
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ વધુ એક વખત રક્તરંજીત બન્યો છે, અને આજે સવારે 10.00 વાગ્યે સિક્કા પાટિયા પાસે હીટ એન્ડ રનના બનાવમાં કાળમુખા ટ્રક ચાલકે બાઈક સવાર દંપત્તિ ને હડફેટમાં લઈ લેતાં ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના સતવારા દંપતિના ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે.અકસ્માત એટલો ભયંકર હતો, કે મૃતદેહના છૂંદા નીકળી ગયા હતા, અને પાવડાથી ભેગા કરવાનો વારો આવ્યો હતો. મેઘપર પોલીસની ટુકડી એ ઘટના સ્થળે દોડી જઇ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના વતની ધરમશીભાઈ કરસનભાઈ નકુમ (ઉંમર 62), કે જેઓ આજે સવારે પોતાના પત્ની વનિતાબેન (60વર્ષ) ને બાઇક માં પાછળ બેસાડીને પોતાના જી.જે.10 ડી.એલ.8490 નંબરના બાઈકમાં જામનગર થી ખંભાળિયા પોતાના વતન તરફ જઈ રહ્યા હતા.
જે દરમિયાન સિક્કા પાટીયા પાસે 10.00 વાગ્યા ના અરસામાં પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 10 ટી.એક્સ.9429 નંબરના કાળમુખા ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો, કે બાઈક સવાર ધરમશીભાઈ અને તેમના પત્ની વનિતાબેન બંને ઉપરથી ટ્રકના તોતિગ વ્હીલ ફરી વળ્યા હતા, અને બંનેના મૃતદેહો સગાઈ જવાથી નીકળી ગયા હતા, અને તેથી માર્ગ પર ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. એક તબક્કે પાવડા થી મૃતદેહને ભેગો કરવાનો વારો આવ્યો હતો.આ ઘટનાને લઈને સિક્કા રોડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
અકસ્માતના બનાવની જાણ થવાથી મેઘપર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એલજી જાડેજા પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને સૌ પ્રથમ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો, જ્યારે મૃતદેહોને ભેગા કરીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.ડમ્પર ચાલક અકસ્માત સર્જીને પોતાનું ડમ્પર માર્ગ પર છોડીને ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તે વાહન કબજે કરી લીધું છે, અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
