નેપાળમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે. રાજધાની કાઠમંડુ સહિત ઘણા વિસ્તારોમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ બની છે. વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ પૌડેલના અંગત નિવાસસ્થાન પર કબજો કરીને આગ લગાવવામાં આવી છે. મંત્રીઓના ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ઘણા મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ, શેર બહાદુર દેઉબા, ગઈકાલે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા રમેશ લેખક અને સંદેશાવ્યવહાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગના ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
આ દરમિયાન સરકારમાં રાજીનામાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 9 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડી નેપાળમાં પણ અજમાવાઈ છે.
