રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂ

સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પેનલો ઉપર થશે ચર્ચા, શહેર ભાજપની ટીમ-ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા રાજકોટ માટે સંપૂર્ણ નવા ચહેરાઓની અલગ પેનલ બનાવવા પણ સુચના, તમામ…

સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પેનલો ઉપર થશે ચર્ચા, શહેર ભાજપની ટીમ-ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા

રાજકોટ માટે સંપૂર્ણ નવા ચહેરાઓની અલગ પેનલ બનાવવા પણ સુચના, તમામ જૂના કોર્પોરેટરોની ટિકિટ કાપવા એક જૂથની રજૂઆત

ગુજરાતમાં આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનાર જિલ્લા તાલુકા પંચાયતો અને પાલિકા-મહાનગર પાલિકાઓની ચુંટણીઓ માટે તા.11 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે ત્યારે સતાધારી પક્ષ ભાજપ દ્વારા આજે સાંજથી યાદીઓ જાહેર કરવાનું શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. ગઇકાલથી શરૂ થયેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજે પણ ચાલુ રહી છે અને આવતીકાલે પણ મળનાર છે ત્યારે આવતીકાલે ગુરૂવાર સાંજ સુધીમાં તમામ નામો ફાઇનલ કરી તા.10મીએ સાંજ સુધીમાં તમામ જિલ્લા-તાલુકા પંચાયતો અને પાલિકા-મહાપાલિકાઓના 10 હજાર જેટલા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવનાર છે.

ભાજપના ઉમેદવારો માટે મનોમંથન ચાલી રહ્યું છે ત્યારે જુના સભ્યોમાં નો-રિપિટ થિયેરીનો ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક પણ જુના કોર્પોરેટરને ટિકિટ નહીં આપવા કેટલાક સિનિયર અને જુના જોગીઓ હાઇકમાન્ડમાં રજુઆત માટે ગાંધીનગર પહોંચ્યા છે. આ નેતાઓએ રાજકોટમાં જુના કોર્પોરેટરોને રિપીટ કરાય તો ભાજપને ભારે પડી શકે તેવી ચીમકી ઉચ્ચારી છે.

બીજી તરફ રાજકોટ કોર્પોરેશનના બેઠક દીઠ 3-3 ઉમેદવારોની પેનલ ફાઇનલ કરવા આજે સાંજે શહેર ભાજપની સંકલનની બેઠક પણ ગાંધીનગર ખાતે મળી હતી. ત્યારે ભાજપ હાઇકમાન્ડે જુના-નવાઓની પેનલ સાથે સંપુર્ણ નવા ચહેરાઓની સમાંતર પેનલ પણ તૈયાર રાખવા સુચના આપી હોવાનું જાણવા મળે છે.
આજે સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રાજકોટ કોર્પોરેશનની 72 બેઠકોના ઉમેદવારો નક્કી થનાર છે ત્યારે શહેર ભાજપની ટીમ, તમામ ધારાસભ્યો અને નેતાઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે અને લાગતા વળગતાઓની ટિકિટ માટે લોબિંગ શરૂ કયઉં છે. એક પુર્વ ધારાસભ્યોએ પોતાના પુત્ર માટે ટિકિટ માંગી હોવાનું જાણવા મળે છે. આજે રાત્રે અથવા આવતીકાલે સાંજ સુધીમાં રાજકોટ ભાજપનું ચિત્ર સ્પષ્ટ થઇ જનાર હોવાનું મનાય છે.

કોંગ્રેસમાં ઘનશ્યામસિંહની પ્રેસર ટેક્નિક, જેનીબેન ઉપર જ્ઞાતિવાદનો આક્ષેપ

રાજકોટ વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ પ્રભારી જેનીબેન ઠુંમર સામે આક્ષેપો કરતા જણાવ્યું કે, જેનીબેન ઠુમરે જ્ઞાતિવાદ કરી ટિકિટ ફાળવણી કરી છે. રાજકોટના 17 નંબરમાંથી પાટીદાર સમાજના શૈલેષ રૂૂપાપરા સાથે કુવાડવા રોડ પર એક ફાર્મ હાઉસમાં બેઠક કરી હતી અને ટિકિટ ફાળવણી અંગે નિર્ણય કર્યો હતો.

જેમાં જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. અમે લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે કોર્પોરેટર હતા ત્યારે અને નહોતા ત્યારે પણ લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે. હું કોંગ્રેસ પક્ષમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું નારાજગી માત્ર જેનીબેન ઠુંમર સામે છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 17માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ લોબિંગ સાથે પ્રેસર ટેક્નિક અપનાવી હોય તેવું લાગી રહ્યું છે. હસનવાડી વિસ્તારમાં 25થી 30 લોકો એકઠા થઇ ઘનશ્યામસિંહને ટિકિટ આપોના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પ્રથમ યાદીમાં વોર્ડ નંબર 17ના 3 ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં ગાયત્રીબેન ભટ્ટ, યોગીતાબા જાડેજા અને શૈલેષ રૂૂપાપરાને ઉમેદવાર જાહેર કર્યા છે. હવે માત્ર એક ઘઇઈ બેઠક પર ઉમેદવારની જાહેરાત બાકી છે માટે ઘનશ્યામસિંહને ઉમેદવારી મળવાના કોઈ ચાન્સ છે નહિ, પરંતુ માત્ર પ્રેસર ટેક્નિક અપનાવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.

મોડી સાંજ સુધીમાં ભાજપની પ્રથમ યાદી આવવાની સંભાવના
ભાજપ ચૂંટણી સમિતિની બેઠક બાદ આજે પ્રથમ યાદી જાહેર થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોડી સાંજ સુધી નિર્વિવાદિત અને ક્લિયર બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. પાર્ટી તબક્કાવાર રીતે યાદી જાહેર કરવાની રણનીતિ અપનાવી રહી છે, જેથી દરેક વિસ્તારને સંતુલિત પ્રતિનિધિત્વ મળી શકે. 11 એપ્રિલ ઉમેદવારીનો છેલ્લો દિવસ હોવાથી જિલ્લાકક્ષાએ ઉમેદવારોને તાત્કાલિક જાણ કરવામાં આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક મહત્વના નામોને પ્રથમ યાદીમાં સ્થાન મળવાની સંભાવના હોવાથી કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *