બેભાન હાલતમાં ઢળી પડેલા હોટલ સંચાલકે દમ તોડતાં પરિવારમાં કલ્પાંત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં વોર્ડ નં.9ના કોર્પોરેટરના ભાઈ અને ચાની હોટલના સંચાલકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રૈયા રોડ પર આવેલા શિવપરામાં રહેતાં અને ગરેડીયા કૂવા રોડ પર ચાની હોટલ ચલાવતાં રાજુભાઈ મનુભાઈ કાટોલીયા નામના 48 વર્ષના આધેડ પોતાના ઘરે રહેતાં હતાં ત્યારે રાત્રીનાં સાડા દસેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક રાજુભાઈ કાટોલીયા બે ભાઈ એક બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાજુભાઈ કાટોલીયાના મોટા ભાઈ જીતુભાઈ કાટોલીયા વોર્ડ નં.9નાં કોર્પોરેટર છે. રાજુભાઈ કાટોલીયા ગરેડીયા કુવા રોડ પર ચાની હોટલ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
