બિલ્કીસ બાનો કેસમાં સજા માફી માટે દોષિતો સુપ્રીમમાં

આજીવન કેદની સજા માફ કરવા માગણી, કોર્ટે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને પાઠવી નોટિસ ગુજરાતના ભારે ચકચારી બિલ્કીસ બાનો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે…

આજીવન કેદની સજા માફ કરવા માગણી, કોર્ટે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને પાઠવી નોટિસ

ગુજરાતના ભારે ચકચારી બિલ્કીસ બાનો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે દોષિતો, બિપિનચંદ્ર કનૈયાલાલ જોષી અને પ્રદીપ રમણલાલ મોઢિયાની અપીલ પર સુપ્રીમ કોર્ટે કાલે સુનાવણી હાથ ધરી હતી. જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ વિજય બિશ્નોઈની ખંડપીઠે આ મામલે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ સ્પેશિયલ લીવ પિટિશન પર આગામી 5 મે, 2026ના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી છે. બંને દોષિતોએ 4 મે, 2017ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને પડકાર્યો છે, જેમાં તેમની સજા યથાવત રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ટ્રાયલ કોર્ટે બિપિનચંદ્ર જોષી અને પ્રદીપ મોઢિયા સહિતના 11 આરોપીઓને હત્યા, રમખાણો અને સામૂહિક બળાત્કારના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. આ સજા સામે કરવામાં આવેલી અપીલમાં બોમ્બે હાઈકોર્ટે વર્ષ 2017માં નીચલી અદાલતના નિર્ણયને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે આ તમામ 11 દોષિતોની સજા ઉપરાંત અન્ય કલમો હેઠળ ફટકારવામાં આવેલી સખત કેદની સજા પણ યથાવત રાખી હતી.

આ સમગ્ર કેસ 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ સળગાવ્યા બાદ ફાટી નીકળેલા કોમી રમખાણો સાથે જોડાયેલો છે. 3 માર્ચ, 2002ના રોજ 21 વર્ષીય અને 5 માસની ગર્ભવતી બિલ્કીસ બાનો તેના પરિવાર સાથે હિંસાથી બચવા માટે રણધિકપુરથી ભાગી રહી હતી, ત્યારે પન્નીવેલ પાસે એક ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. બિલ્કીસે આ ટોળામાં અત્યારના અરજદારોને પણ ઓળખી કાઢ્યા હતા. આ હુમલામાં બિલ્કીસની 3 વર્ષની પુત્રી સહિત પરિવારના અનેક સભ્યોની હત્યા કરવામાં આવી હતી અને બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

શરૂૂઆતમાં સ્થાનિક પોલીસની તપાસ બાદ આ કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ 16 ડિસેમ્બર, 2003ના રોજ સુપ્રીમ કોર્ટે તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈએ પુરાવાઓ એકત્ર કરી 19 એપ્રિલ, 2004ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની ગંભીરતા જોતા ટ્રાયલ મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરવામાં આવી હતી, જ્યાં અદાલતે તમામ 11 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.

ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે તેની માફી નીતિ (છયળશતતશજ્ઞક્ષ ઙજ્ઞહશભુ) હેઠળ આ 11 દોષિતોને જેલમુક્ત કર્યા હતા. જોકે, આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઈ હતી. 8 જાન્યુઆરી, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના મુક્તિના આદેશને રદ કરતા જણાવ્યું હતું કે, કેસની ટ્રાયલ મહારાષ્ટ્રમાં ચાલી હોવાથી ગુજરાત સરકાર પાસે માફી આપવાની સત્તા નથી. ત્યારબાદ તમામ દોષિતોને શરણાગતિ સ્વીકારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે આ કેસમાં સજા સામેની અપીલ પર સુપ્રીમ કોર્ટ 2026માં ફરી સુનાવણી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *