રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતા સફાઇ કામદારોની જોબ સિકયુરીટી અને અન્ય મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તેવા આશયથી મનપાએ વધુ એક આવકારદાયક કદમ લીધું છે. કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કામદારોને લેખીતમાં નિમણુંક ઓર્ડર આપવામાં આવશે. રાજકોટ કામદાર યુનિયન દ્વારા છેલ્લા ઘણા સમયથી થતી રજુઆત અને પ્રયાસોને અંતે સફળતા મળી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ સફાઈ કામગીરી કરતા સફાઈ કામદારોને તેમની નોકરી, ફરજ અને કામગીરી અંગેની સ્પષ્ટતા રહે તેમજ કામદારોના હિતોનું રક્ષણ થાય તે માટે રાજકોટ કામદાર યુનિયન દ્વારા મહાનગરપાલિકા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. કામદાર યુનિયનની આ રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને હવે કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા સફાઈ કામદારોને લેખિત નિમણૂક ઓર્ડર આપવામાં આવશે. નિમણૂક ઓર્ડર મળવાથી સફાઈ કામદારોને પોતાની કામગીરી, ફરજ, નિયુક્તિ તથા રોજગાર સંબંધિત વિગતોનો સત્તાવાર રેકોર્ડ મળી રહેશે. આ નિર્ણયથી કોન્ટ્રાક્ટ સફાઈ કામદારોમાં પણ પારદર્શિતા અને જવાબદારી વધશે.
રાજકોટ કામદાર યુનિયન હંમેશા સફાઈ કામદારોના હક્કો, રોજગાર સુરક્ષા, યોગ્ય વેતન, PF, ESIC, બોનસ, ગ્રેચ્યુઈટી, પગાર સ્લિપ, નિમણૂક ઓર્ડર સહિતના કાયદેસર હકો માટે સતત રજૂઆતો અને સંઘર્ષ કરતી આવી છે. કોન્ટ્રાક્ટ સફાઈ કામદારોને લેખિત નિમણૂક ઓર્ડર આપવાનો મહાનગરપાલિકાનો આ નિર્ણય રાજકોટ કામદાર યુનિયનની લેખિત રજૂઆતની વધુ એક મહત્વપૂર્ણ સફળતા છે.
