બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એડમિનિસ્ટ્રેટિવ કમિટીની બેઠકમાં 196 અરજી પર વિચારણા કરવામાં આવી’તી
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોના વારસદારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ મળેલી BCG (બાર કાઉન્સિલ ઓફ ગુજરાત)ની એડમિનિસ્ટ્રેટિવ કમિટીની બેઠકમાં 161 ધારાશાસ્ત્રી (વકીલ)ના વારસદારોને કુલ રૂૂ. 5 કરોડ 56 લાખથી વધુની મૃત્યુ સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતે વાત કરીએ તો, મૃત્યુ પામેલા વકીલના વારસદારો દ્વારા કરવામાં આવેલી કુલ 196 અરજીઓ વિચારણા માટે BCG (બાર કાઉન્સિલ ઓફ ગુજરાત) બેઠક મળી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ એચ. ઝાલા તેમજ કમિટીના સભ્યો અનિલ સી. કેલ્લા અને ભરત વી. ભગત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના નિયમો અનુસાર અરજીઓની ચકાસણી કરવામાં આવ્યા બાદ 161 વકીલના વારસદારોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
આ વકીલ વેલ્ફેર ફંડના સભ્ય બન્યા હતા, નિયમિત વેલ્ફેર રિન્યુઅલ ફી ભરતા હતા અને Bar Council of India Certificate and Place of Practice (Verification) Rules, 2015 હેઠળ જરૂૂરી ફોર્મ ભર્યું હોવાનું ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. નિયમો અને ધારાધોરણો અનુસાર હવે તેમના વારસદારોને રૂ.5 કરોડ 56 લાખથી વધુની રકમ મૃત્યુ સહાય તરીકે ચૂકવવામાં આવશે, તેવો નિર્ણય લેવાયો છે.
નોંધનીય છે કે, હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા આશરે 53,372 વકીલ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બન્યા છે. બાર કાઉન્સિલના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં આશરે 3,100થી વધુ વકીલના વારસદારોને રૂૂ.67 કરોડ જેટલી મૃત્યુ સહાય ચૂકવવામાં આવી છે. હાલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મૃત્યુ પામનાર વકીલોના વારસદારોને રૂૂ.5 લાખની મૃત્યુ સહાય આપવામાં આવે છે. જોકે આ સહાય મેળવવા માટે ધારાશાસ્ત્રીનું વેલ્ફેર ફંડનું સભ્યપદ, નિયમિત વાર્ષિક વેલ્ફેર રિન્યુઅલ ફી અથવા કાયમી ફીની ચુકવણી તેમજ નિર્ધારિત વેરિફિકેશન ફોર્મ ભરવાની શરતો લાગુ પડે છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી વકીલને અપીલ પણ કરાઈ કે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બને અને નિયમિત વેલ્ફેર રિન્યુઅલ ફી અથવા કાયમી ફી ભરે. ઉપરાંત, Bar Council of India Certificate and Place of Practice (Verification) Rules, 2015 હેઠળ નિયત ફોર્મ સમયસર ભરવા માટે પણ નિર્દેશ કરવામાં આવ્યા છે. કેમ કે નિયમોનું પાલન નહીં કરનાર ધારાશાસ્ત્રીના વારસદારો મૃત્યુ સહાય મેળવવા માટે BCG હકદાર રહેશે નહી.
