ગોંડલના રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સવારથી સાંજ સુધીમાં આખો ઘટનાક્રમ બદલાઈ ગયો.ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરનાર એક કાર્યકરે સવારે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી કે તેમને અગાઉના મર્ડર કેસનો હવાલો આપીને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી મળી છે. પરંતુ નવાઈની વાત એ છે કે, સાંજે આ જ કાર્યકરે પોતાની અરજી પાછી ખેંચીને મોટો ધડાકો કર્યો કે, આ બધું એક વ્યક્તિના કહેવાથી લખાવવામાં આવ્યું હતું.
આ ઘટનાની શરૂૂઆત ગોંડલ નગરપાલિકાની ચૂંટણીની અદાવતથી થાય છે. વોર્ડ નંબર 10 (ભોજરાપરા) માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર શૈલેષભાઈ મગનભાઈ રૈયાણીએ 27 મેના રોજ સવારે ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસ મથકે એક સનસનીખેજ લેખિત અરજી કરી હતી. અરજીમાં આક્ષેપ હતો કે ગત 18 મેની રાત્રે 9 વાગ્યાના અરસામાં, રામ પાન પાસે અશોકભાઈ પીપળીયા અને ઈકબાલ કૈયડાએ તેમની સાથે ગાળાગાળી કરી હતી.
ફરિયાદમાં એવો ગંભીર આરોપ લગાવાયો હતો કે, અશોક પીપળીયાએ ધમકી આપતા કહ્યું હતું કે, “તારું નિલેષ રૈયાણીની જેમ જ મર્ડર કરી નાખવાનું છે. જેમ નિલેષ રૈયાણીમાં હું છૂટી ગયો તેમ તારામાં પણ છૂટી જાઈશ.” આ સાથે ઈકબાલ કૈયડા (જેમને અરજીમાં ગણેશ ગોંડલ અને જયરાજસિંહના ખાસ માણસ તરીકે દર્શાવાયા હતા) તેમણે પણ ગોંડલમાં ક્યાંય દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ હતો. અરજદારે પોતાના કાકા જેન્તીભાઈના અવસાનના કારણે ફરિયાદમાં વિલંબ થયો હોવાનું જણાવી, રાજકોટ જિલ્લા પોલીસવડા અને રેન્જ આઈ.જી. સુધી નકલો રવાના કરી હતી. પરંતુ, આ કેસમાં સાંજ પડતા પડતા એક મોટો ટ્વિસ્ટ આવ્યો. 27 મેની સાંજે જ અરજદાર શૈલેષભાઈએ પોતાની અરજી પાછી ખેંચીને ચોંકાવનારો ખુલાસો કર્યો.
તેમણે જણાવ્યું કે, અશોકભાઈ પીપળીયા સંબંધમાં તેમના ભાણેજ થાય છે અને 18 તારીખે રાત્રે વાતવાતમાં તેમણે માત્ર ’મીઠો ઠપકો’ આપ્યો હતો. અરજીમાં રાજદીપસિંહ અને નિલેષ રૈયાણીનો ઉલ્લેખ તદ્દન ખોટો હોવાનું પણ તેમણે કબૂલ્યું. સૌથી મોટો ધડાકો કરતા અરજદાર શૈલેષભાઈએ સ્પષ્ટ કર્યું કે આ અરજી પિયુષ રાદડિયાના કહેવાથી લખાવવામાં આવી હતી. તેમને કોઈ પણ આગેવાન દ્વારા ધાક-ધમકી કે મારી નાખવાની વાત કરવામાં આવી નથી અને તેઓ કોઈપણ જાતના દબાણ વગર પોતાની સ્વેચ્છાએ આ અરજી પાછી ખેંચી રહ્યા છે.
