મારવાડીના ભૂતકાળને લઇને વાઇબ્રન્ટ સમિટ રદ કરવા કોંગ્રેસની માંગ

આગામી સમયમાં ’વાઈબ્રન્ટ સમિટ’ ના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં પધારવાના છે, જેની સામે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.…

આગામી સમયમાં ’વાઈબ્રન્ટ સમિટ’ ના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં પધારવાના છે, જેની સામે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વડાપ્રધાનનો આ કાર્યક્રમ રદ કરવા માંગ કરવામાં આવી છે.

માલિકનો વિવાદાસ્પદ ભૂતકાળ અને કસ્ટમ્સ કેસ
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મારવાડી યુનિવર્સિટીના માલિક કેતન મારવાડીનો ભૂતકાળ કાયદાકીય ભંગથી ભરેલો છે. આવેદનમાં જણાવાયું છે કે 20 જુલાઈ 2011 ના રોજ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે કેતન મારવાડીને રૂા. 8 લાખની બિન-ઘોષિત ચીજવસ્તુઓ (મોંઘી ઘડિયાળો, મોબાઈલ અને રોકડ) સાથે ઝડપી પાડ્યા હતા. વધુમાં એવો પણ ગંભીર આરોપ લગાવાયો છે કે તેમણે આ કિંમતી વસ્તુઓના બિલ પોતાના મોજામાં છુપાવ્યા હતા.

કેમ્પસમાં ગાંજાનું વાવેતર અને સુરક્ષા સામે સવાલ
કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ જ યુનિવર્સિટીના કેમ્પસમાંથી અગાઉ ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતું. જે સંસ્થાના પ્રાંગણમાં માદક દ્રવ્યોનું વાવેતર થતું હોય અને જેમના માલિકનો ઈતિહાસ વિવાદાસ્પદ હોય, ત્યાં દેશના વડાપ્રધાન જેવા સર્વોચ્ચ નેતાની ઉપસ્થિતિથી દેશમાં ખોટો સંદેશ જશે તેવી ભીતિ કોંગ્રેસે વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *